Monday, 24 October 2016

હોમ મિનિસ્ટર, સંડાસમાં પાણી નંખાવો....પછી ફોન કરો!


રાજકારણમાં અને રાજકારણીઓની રમૂજ રોજિંદી છે. હવે નેતાઓ પર જોક સામાન્ય બની ગઇ છે...પણ વાસ્તવિક જીવનમાં પણ રાજકારણીઓ કેવી રમૂજનો શિકાર બને છે એ દૂરથી બેઠેલા આપણાં જેવા લોકોને ક્યારેય સમજાય એવું નથી.
વાત થોડી માંડીને કરીએ તો ગુજરાતમાં ભાજપનો જન્મ થયો એ પહેલાં જનસંઘ હતો. એ સમયે ભાજપ પોતાના પગ જમાવવાની કોશિશ કરી રહ્યો હતો. વાત છે 1972ની ...એ સમયે ઘનશ્યામ ઓઝાની સરકાર હતી અને જનસંઘને પૂછવાવાળું કોઇ ન હતું. એવામાં કિસાનોના પ્રશ્નો માટે જનસંઘે આંદોલન શરૂ કર્યું. વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નક્કી થયો. એ સમયના ધારાસભ્ય ભગવાનદાસ એમના ટેકેદાર ગંગારામ સાથે આવ્યા હતાં.
એ વખતે જનસંઘનો દબદબો નહીં પણ ગંગારામ 500 જણામાં અલગ તરી આવે એવા હતાં. એ 150 કિલો વજનના હતાં. વિધાનસભા ઘેરાવ વખતે બધા આગળ વધી રહ્યા હતાં અને પોલિસે લાઠીચાર્જ શરૂ કર્યો. કાર્યકર્તાઓને લાઠીઓ પડતી હતી અને બધા ભાગતા હતાં. ગંગારામથી દોડાય એમ હતું નહીં...પણ પોલિસના દંડાથી બચવાનું હતું.
ચાલાક ગંગારામે કિમિયો વાપર્યો...લાઠી ના પડે એટલે એ રસ્તા પર બેભાન થઇને સુઇ ગયાં. પોલિસ મુંઝાઇ ગઇ હવે શું કરવું ? આઠ પોલિસવાળાઓએ એમને માંડ માંડ ઉંચકીને સ્ટ્રેચરમાં નાંખ્યા. અને ગાંધીનગરની હોસ્પિટલમાં લઇ ગયાં. એ જમાનામાં હોસ્પિટલ ત્રીજા માળે હતી. ચાર જણાં 150 કિલોના ગંગારામને ઊંચકીને ચઢી રહ્યાં હતાં. બધા પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં.ડોક્ટરે એમને તપાસ્યા પણ ગંગારામ ભાનમાં ન આવ્યા. એટલે થાકેલા ડોક્ટરે કહ્યું કે આને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જાવ.
ડોક્ટર તો આટલું કહીને છૂટી ગયા...પણ વોર્ડબોયની હાલત ખરાબ થઇ ગઇ. એ લોકો માંડ માંડ દાદરો ચડાવીને ગંગારામને ઉપર લાવ્યા હતાં. હવે ઉતારવા કેવી રીતે ? બીજો માળ ઉતર્યા..પણ હવે તેમની તાકાત જવાબ આપી ગઇ હતીં. એકે કહ્યું કે આ જાડિયો નીચે નહીં લવાય....મારા હાથમાંથી છટકશે. બીજાએ કહ્યું મને પણ એવું જ લાગે છે...સ્ટ્રેચર સ્હેજ ધ્રુજ્યું. આંખ મીંચીને ડોક્ટરને ડોબો બનાવનાર ગંગારામ એકદમ બોલ્યા કે...એ ઊભા રહો...છોડતા નહીં...એટલું બોલીને કૂદકો મારીને દાદરા ઉતરી ગયાં. પોલિસવાળા અને વોર્ડબોય કાંઇ સમજે એ પહેલા જ 150 કિલોગ્રામના ગંગારામ ગૂમ થઇ ગયાં...
આવું ચૂંટણી પ્રચારમાં પણ થાય છે. વાત છે ભાજપના સમયની...જનસંઘમાંથી ભાજપ બની ગયો હતો...અને વિરમગામથી શંભુ મહારાજ ભાજપના ઉમેદવાર...શંભુ મહારાજને બીડી પીવાની આદત...દર અડધો કલાકે બીડી જોઇએ....સ્ટેજ પર ભાષણ ચાલતું હતું. અડધ કલાક...એક કલાક...દોઢ કલાક...અને શંભુ મહારાજને બીજીની તલપ લાગી....એમણે ખૂણામાં જઇને બીડી સળગાવી...પણ કોઇને ય દેખાય નહીં એમ....એમ શાલ ઓઢી બીડી બીડી પીવા લાગ્યા....શાંલમાંથી ધૂમાડો નીકળતો હતો અને શંભુ મહારાજ ખાંસતા હતાં.
સ્ટેજ પર કોઇને સમજાયું નહીં કે શું થઇ રહ્યું છે? સમજાયું નહીં એટલે બધા ટોળે વળી ગયા...પણ કોઇ આગળ આવતું હતું ન હતું....એ સમયે શંકરસિંહ વાઘેલા ત્યાં હતાં. એમણે ટોળામાં જઇ શાલ ખેંચી લીધી....અને શંભું મહારાજની ઉધરસ બંધ થઇ ગઇ, ત્યારે ખબર પડી કે આ આખીય મોંકાણ બીડીની હતી....પણ સ્ટેજ પરથી શો સાંભળતા બધાને શંભુ મહારાજની જેમ ઉધરસ તો ન ચઢી પણ જીવ તાળવે ચડી ગયો હતો અને શંભુ મહારાજ મોજમાં બેઠા હતાં.
આવા જ કાર્યકર હતાં ખાડિયાના દેવજી ભગત.....દેવજી ભગત માલિશ કરવામાં માસ્ટર હતાં. ભાજપ જનસંઘના નેતા આવે એટલે એમની માલિશ કરે પણ ઇન્દીરા ગાંધીના કટ્ટર વિરોધી....એમને ઇન્દીરા ગાંધીનો વિરોધ કરવો હતો. વડાપ્રધાનનો વિરોધ કરવો એ નાની સૂની વાત ન હતીં..બધાએ બહુ સમજાવ્યા....દેવજીભાઇ ભગત થઇને બેઠા...પણ જેવા ઇન્દીરા ગાંધીની કોન્વોય આવી એવા એની ગાડી પર કૂદી પડ્યાં...કોન્વોય રોકાઇ ગયો...પણ દેવજી ભગતને પોલિસના એવા દંડા પડ્યા કે એમની માલિસ કરવાવાળું કોઇ ન હતું. દેવજી ભગત એ પછી હરતા ફરતા બોમ્બ તરીકે ઓળખાતા હતાં. પરંતુ એ જમાનામાં વડાપ્રધાનના કટ્ટર વિરોધી કોઇ હતા તો તે ભાજપના મનુભાઇ દેસાઇ...એમના હાથમાં માઇક આવે એટલે અઢી કલાક ભાષણ ચાલે....ભાજપનો એકેએક કાર્યકર મનુભાઇથી ગભરાય . કારણ કે વાતની શરૂઆત એ રીતે કરતાં કે, ભારતમાં બે મહાન માણસ છે...એક મોરારજી દેસાઇ અને બીજા મનુ દેસાઇ. અહીંથી વાતની શરૂઆત કરે એટલે અઢી કલાક થાય. પણ સામેવાળાને બોલવાની તક સુદ્ધાં ન આપે....એક વાર બોલવાનું ચાલુ કરે તો બંધ ન થાય. કોઇને ય ટપલી માર્યા વિના અધમુઓ કરવો હોય તો મનુભાઇ દેસાઇ સાથે મૂકી દેતા.
એક વખત ભાજપનું સંમેલન રાજકોટ હતું. બધા નેતા વડોદરાથી રાજકોટ ટ્રેનમાં જતાં હતાં. મનુભાઇ પણ હતાં. મનુભાઇની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા ચીમનભાઇ શુક્લને સોપી, ચીમનભાઇ શુક્લએ શાણપણ વાપરી એમની ઓળખાણ પીએસપીના નેતા જશવંતસિંહ સાથે કરાવી. અને ભાજપના બીજા નેતાઓ સાથે અલગ ડબ્બામાં આવીને સુઇ ગયાં.
સવારે રાજકોટ આવ્યું અને જશવંત મહેતા ટ્રેનમાંથી કૂદકો મારીને નીચે ઉતર્યા...ભાજપના નેતાઓને પકડ્યાં અને કીધું કે ભાઇ તમારો મનુ દેસાઇ મોરારજી દેસાઇ પછી  ભલે બીજો નેતા હોય, મને મંજૂર છે. પહેલા કીધુ હોત તો પણ માની લેત. એણે મને આખી રાત ઉંઘવા નથી દીધો. મોરારજી અને તેની સામ્યતા, ભાજપનો ઇતિહાસ, ભૂગોળ અને સિદ્ધાંત વિશે બોલ બોલ કર્યું છે. ઉંઘવા જાઉં તો ઉઠાડીને વાત કરે, અરે ડબ્બામાં એણે કોઇને ઉતરવા દીધા નથી. કહેતા હોવ તો લખીને આપુ કે મોરારજી કરતાં મનુભાઇ દેસાઇ મહાન છે......હું તમારી ગાય છું...પણ મનુભાઇને કદી મળાવતા નહીં... એટલીવારમાં મનુભાઇ ડબ્બામાંથી ઉતરતા દેખાયાં. જશવંતભાઇએ કૂલી કર્યા વિના વજનદાર બેગ લઇને જે રીતે સ્ટેશનથી ભાગ્યા છે....કદાચ ઓલિમ્પિકમાં દોડ્યા હોત તો ભારતને મેડલ મળ્યો હોત...
વાત આટલેથી અટકતી નથી..એકવાર હું મારા અંગત મિત્ર અને  તત્કાલિન ધારાસભ્ય કમલેશ પટેલ સાથે બહારગામ જતાં હતાં...અમને મોડું થતું હતું. કારમાં બેસવા જતાં હતાં ત્યાં એક ભાઇ સ્કૂટર પર બૂમ પાડ્તો પાડતો આવ્યો. કમલેશભાઇ ઊભા રહો. ઊભા રહો...અમે રોકાઇ ગયાં. એ ભાઇએ સ્કૂટરને બ્રેક મારી ને ઝઘડવાના સૂરમાં કહ્યું કે, જુઓ મારે તમારૂં કાઇ કામ નથી....15 વાર કહ્યું કે ઘરે ચા પીવા આવો, પણ આવતા કેમ નથી ? ચલો બધુ કામ પડતું મૂકી ચા પીવા આવો.
કમલેશભાઇ બઘવાઇ ગયાં. પણ નમ્રતાથી કહ્યું કે, કામ નથી તો ફરી ક્યારેક ચા પીવા આવીશ, અત્યારે ઉતાવળ છે જવું પડશે.
પેલા ભાઇએ જીદ પકડી અને કહ્યું કે, મારા ફ્લેટ પર ચલો, ચા પીવો પછી જ જવા દઇશ. મારા એક વોટથી જીત્યા છો. કમલેશ પટેલે મારી સામે જોયું પણ પેલો ભાઇ કાર સામેથી ખસવા તૈયાર ન હતો. છેવટે નક્કી કર્યું કે એને ત્યા ચા પીને જઇએ. અમે પાછાં આવ્યા. ચા પીધી .  એને પૂછ્યું કે કાંઇ કામ હતું ? ચા પીધી હવે જઇએ ? એણે કહ્યું બાલ્કનીમાં આવો, પાંચ મીનીટ ઊભા રહો પછી જાવ.
અમે મુંજાયા કે, આ વળી ક્યું નવું નાટક ? પણ છૂટકો ન હતો. અમે બાલ્કનીમાં ગયા એટલે સામેવાળાને બુમ પાડી બહાર બોલાવ્યો અને હાથ હલાવ્યો અને કહ્યું ચલો જઇએ. મારાથી ન રહેવાયું. મેં પૂછ્યું, ભાઇ આ શું નાટક છે? ચા પીવડાવી, બાલ્કની બતાવી એમાં અડધો કલાક ગયો.
એણે શાંતિથી કહ્યું, જુઓ મારા લગ્ન હમણાં જ થયા છે. હું ઓફિસ જવા નીકળું એટલે પત્ની બાલ્કનીમાંથી આવજો કહેવા આવે છે.  અને સામેવાળો ઘૂરકીને જોવા આવે છે. તમે આવ્યા તો એને ખબર પડી કે આપણે ધારાસભ્ય સાથે ઓળખાણ છે, તો મારી બૈરીને લાઇન ના મારે. બસ હવે જાવ મારે કોઇ કામ નથી.
આવું જ મારા પરમ મિત્ર અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન સ્વ. જીતુભાઇ શાહ સાથે થયું હતું. સવારે એ નિયમ પ્રમાણે શાહપુરમાં ઓટલા પર બેસે અને ફોન પર ગુજરાતની સ્થિતિની વાત કરે. પોલિસને સૂચના આપે અને મતદારોના સવાલો સાંભળે..પ્રશ્નો સોલ્વ કરે. રોજ ટોળાં હોય. એવા જ એક ટોળામાં એક જણ આવ્યો. એણે મોટેથી બુમ પાડી કએ જીતુલાલ ફોન બંધ કરો, બે દહાડાથી જાજરામાં પાણી નથી આયું...ચારવાર કહેવડાવ્યું પણ પાણી નથી આવતું. તમારુ જાજરૂ બતાવો,,,ઘરનાંને લઇને આયો છું.
આવકના દાખલા પર સહી કરી રહેલા જીતુભાઇની પેન રોકાઇ ગઇ એ મુંજાયા કે, કાયદો ને વ્યવસ્થા સંભાળું કે જાજરાં જોઉં. પણ જીતુભાઇ પાસે બધા કામ પડતાં મુકાવી પાણીના ટેન્કર મંગાવીને જ તે જંપ્યો.
રાજકારણીઓને ચૂૂંટણી પહેલા અને ચૂંટણી પછી તેમજ ચૂંટણી વખતે મતદારો કેવી રીતે ચૂંથે છે...એ આવતા અંકે....નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્સિંહ ચુડાસમા, હરિન પાઠક, બીમલ શાહ, હસમુખ પટેલ, શંકરસિંહ વાઘેલા, જેવા બીજા નેતાઓની....કફોડી સ્થિતિ આવતા અંકે...

16 comments:

  1. સરસ
    દીપક અંતાણી

    ReplyDelete
  2. AATO KHADIA NU KHAMIR KAHEVAY KE DHARYU KARAVE NE KHADIA THI UTHEL AVAAJ DUNIYA MA VAKHANAY.....

    ReplyDelete
  3. AATO KHADIA NU KHAMIR KAHEVAY KE DHARYU KARAVE NE KHADIA THI UTHEL AVAAJ DUNIYA MA VAKHANAY.....

    ReplyDelete
  4. વાહ- સર. સીધા તળપદી અને સરળ શબ્દો ના સંયોજન સાથે દાયકાઓ પહેલા રાજકીય નેતા અને લોકાના "મનની વાત " મર્મસ્પર્શી છે.હવે ....બીજા અધ્યાય માં આધુનિક રાજનેતા અને મતદાર ,નાગરીકો નો વાર્તાલાપ થવા દો- ભલે તેમાં " મોદીજી કી મન કી બાત " ઠપકારવા ની ઉદારતા બતાવજો -આપણને તો " મુક્તઅભિવ્યક્તિ " નાં માણસો છીએ ,બહુ મજા આવે છે આ વાંચી- સાંભળી નાઈસ જોબ સર

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. નેતાઓ હજી મનુભાઈ દેસાઈ જેવા છે નેતા ને માઈક હાથમા ના આવે તો ના રાજ થઈ જતા હોય છે

    ReplyDelete
  7. Vah bhai Manu bhai is great

    ReplyDelete
  8. Vah bhai Manu bhai is great

    ReplyDelete
  9. Bhargav Bhai Na Bhitbhadaka...ho..ho...ho...ha..ha...ha... great

    ReplyDelete