Saturday, 7 April 2018

પાણી જોઇને પાણી પાણી થઇ ગયેલા રૂપાણી માને છે કે, હું ન્હાઇશ તો જ વિકાસ થશે!


થોડા દિવસ પહેલા હોળી હતી ત્યારે વિજય રૂપાણી પોતાનું રૂડું રૂપાળું મોંઢું વિલાયેલું કરીને અપીલ કરતા હતા કે, ગુજરાતમાં પાણીની તંગી છે એટલે હોળીમાં પાણીનો બગાડ ન કરવો. અરે વિજયભાઇએ તો રૂપાળાં શબ્દો વાપરીને પરિપત્ર બહાર પાડી બધી ક્લબોને આદેશ આપ્યો કે, હોળીમાં કોઇએ રેઇન ડાન્સ સાથે હોળી ન રમવી. હોળીના રસિયાઓ પણ ડાહ્યા ડમરા થઇને એક બીજાને ટમેટાં મારીને આ વર્ષે રેઇન ડાન્સ વિના હોળી રમ્યા. ત્યારે મને થયું કે ચલો વિજયભાઇને આ સારૂં સૂઝ્યું, વળી પાછું કોઇકે વિજયભાઇને બત્તી પકડાવી કે, રાજ્યના ડેમોમાં પાણી નથી એટલે ખેડૂતોને ઉનાળાના પાક માટે પાણી નથી આપવાનું. ખેડૂતો માથે હાથ દઇ ચૂપચાપ બેસી ગયા અને કેનાલ પર પોલિસ પહેરો ગોઠવાયો. વાણી વિલાસના વાયરસનું ઇન્જેક્શન લઇને બેઠેલા વિજયભાઇને વળી કોઇકે કહ્યું કે, બધુ સારૂ સારૂ જ બોલવાનું...એટલે તેમણે પાણી પર વાણી વિલાસ કરવાનું શરૂ કર્યું. ત્યાં કોઇકે કહ્યું કે, વિજયભાઇ તમે વધુ રૂપાળાં લાગો તો વિકાસ થાય. વિકાસનું નામ પડતાં જ વિજયભાઇને વલૂખ ઉપડી અને એમણે ગાવા માંડ્યું કે, મારે ન્હાવું છે, હું નહાઇશ તો જ વિકાસ થશે, એટલે એમણે આણંદના વોટરપાર્કમાં ન્હાવાનું નક્કી કર્યું છે. આમ તો ઘરના એક ખૂણામાં ચૂંટણી વખતે ભજનમંડળી લઇને ભજન ગાવા બેઠેલા વિજયભાઇને હમણાં સંગીતનો ચસ્કો લાગ્યો છે. એટલે 13 ગાડીઓનો કાફલો લઇને ફરતા રૂપાણી આઠ માર્ચે સંગીતમય જલસા વચ્ચે ન્હાવા પડશે. પ્રજાને પીવાનું પાણી મળે કે ન મળે પણ વિજયભાઇ ન્હાવાનું નહીં છોડે. આણંદના એક ગામ પાસે ભારતનો સૌથી મોટો વોટરપાર્ક બની ગયો છે. પાણીની કારમી તંગી ભોગવતા ગુજરાતમાં ભોગ વિલાસ માટે બનેલા આ વોટર પાર્કનું એક ફિલ્મી મોડલ અને સંગીતકાર મહીલાના સંગીતમય સૂરો વચ્ચે વિજયભાઇ વોટર પાર્કમાં ન્હાવાના છે અને પ્રજાને નવડાવવાના છે. અડવાણી જેવી બંડી પહેરવાના રવાડે ચડેલા રૂપાણી હવે મહીલા સંગીતકારના સારંગીના સૂર સાંભળશે પછી મહીલા મોડલોને જોશે અને લાખ્ખો લીટર પાણીમાં બનેલા આ વોટર પાર્કમાં ન્હાશે. બીજી બાજુ ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમદાવાદમાં પાણી માટે લોકો ટેન્કરની આગળ ડબલાં લઇને લાઇન લગાવશે અને રૂપાણી વધુ રૂપાળાં થવા વોટર પાર્કમાં ધૂબાકા મારશે. 80થી 90ના દાયકામાં પાણી તકલીફ વખતે સૌરાષ્ટ્રને ગજવનાર વિજય રૂપાણી તરસ્યા ગુજરાતના વિકાસ માટે પાણીનો ફરી વેડફાટ થવા દેશે. એક જમાનામાં પાણી માટે માટલાં ફોડનાર વિજયભાઇને વોટરપાર્કમાં ન્હાતા પાણીનો વેડફાટ નહી પણ વિકાસ દેખાશે. ત્યાંથી અડવાણી બ્રાન્ડ બંડી પહેરી મોદી સ્ટાઇલમાં હાથ હલાવતા કહેશે કે, મિત્રો, વોટરપાર્કથી વિકાસ થયો છે! અહીં લોકો ઉનાળામાં ન્હાવા આવશે. એટલે ટુરિઝમ વધશે, નાના વેપારીઓને ફાયદો થશે. વગેરે, વગેરે... ! કારણ કે વિદેશથી વાણી વિલાસના વાયરસનું ઇન્જેક્શન લીધા પછી વિજયભાઇએ વાણી વિલાસ પર વિજય મેળવ્યો છે. પરંતુ એ ભૂલી જાય છે કે, અડવાણી બ્રાન્ડ બંડી પહેરી મોદી સ્ટાઇલમાં હાથ હલાવશે તો મીસ મેચ થશે, કારણ કે અત્યારે બધા ભાજપીઓને અડવાણીને અડવાની ના પાડી છે એમ ખેતી અને પાણી માટે તરસતી પ્રજા એમને અડશે નહીં, પછી ભલે ને આણંદમાં પાણીમાં આળોટવાનો આનંદ ન લે! હું નાનો હતો ત્યારે મને ગાવાનો ચાળો ચડ્યો હતો. મારા રાગડાથી ત્રાસીને પડોશીઓએ મને ખખડાવ્યો અને હું રડ્યો, ઘરે આવીને જીદ પકડી કે, હું ગાઇશ જ ! ત્યારે મારા દાદીએ પંચતંત્રની વાર્તા કહેલી કે, ગાવાના શોખિન ગધેડાને શિયાળ સાથે દોસ્તી થઇ, શિયાળ મસ્તીથી ફરતો હતો અને ઉનાળામાં મસ્તી મારતો હતો. ગધેડાએ કહ્યું કે, દોસ્ત હું મજૂરી કરીને મરી જાઉં છું અને ગરમીમાં દુઃખી થાઉ છું. તું મસ્ત કેવી રીતે રહે છે! હું બાજુના ખેતરમાં ચોકીદારની નજર ચુકવીને શેરડી ખાઉં છું એટલે ઠંડક રહે છે અને મોજ આવે છે. ગધેડાએ કહ્યું કે, મને પણ લઇ જા. શિયાળ અને ગધેડો સંતાઇને શેરડીના ખેતરમાં ગયાં, શેરડી ખાઇને તૃપ્ત થયા એટલે ગધેડાએ કહ્યું કે, મજા આવી, હવે હું ગાઇશ. શિયાળે ના પાડી કે અવાજ ના કરતો ખેડૂત આવશે તો મારશે. ગધેડાએ જીદ પકડી કે ના, હું તો ગાઇશ જ. શિયાળ સમજીને ત્યાથી સરકી ગયું, ગધેડાએ ગાવાનું શરૂ કર્યું એટલે ચોકીદારને ખબર પડી એટલે એણે ગધેડાને બરાબરનો માર્યો. આ પંચતંત્રની વાર્તા સાંભળ્યા પછી મેં ગાવાનું બંધ કરી દીધું છે. ત્યારે રૂપાણી હવે ન્હાવાની જીદે ચડ્યા છે ત્યારે પાણીની તંગીથી ત્રાસેલા લોકો જો એમના ન્હાવાના ધૂબાકા સાંભળશે તો અડવાણીની બંડીવાળા રૂપાણીને અડવાની ના પાડી દેશે. પરંતુ ખબર નહીં પૂર વખતે અત્યંત સંવેદનશીલ દેખાતા રૂપાણી હવે પાણીની તકલીફમાં એમના પ્રિય જનોને પાણી વેડફવા વોટર પાર્ક બનાવી આપી લોકોને કેમ વેદના આપે છે એ સમજાતું નથી. પાણી જોઇને પાણી પાણી થતા રૂપાણી ન્હાવાની જીદ પકડીને બેઠા છે. કારણ કે રંગૂનથી રાજકોટ આવેલા રૂપાણી ગાંધીનગર સીધા એક્સપોર્ટ થઇને આવ્યા છે. એટલે એમણે પંચતંત્રની વાર્તા નહીં સાંભળી હોય. એટલે જ ન્હાવાની જીદ લઇને બેઠા છે. વોટર પાર્કમાં એમના ન્હાવાનો ધૂબાકાનો અવાજ ગુજરાતમાં બેઠેલા ચોકીદારો સાંભળશે તો શું થશે? એ તો આવનારો સમય જ કહેશે!

Wednesday, 4 April 2018

એક આશા છે કે બીજી વાર દગો ના દેતા, અમારાં સપનાં લઇ લીધા, હવે ઉંઘ ના લેતા



હું સવારે તળાવ પર જતો હતો. ગાડી ફ્સાયેલી હતી એટલે ચાલતો નીકળ્યો. ફોન પર વાત કરતો કરતો ચાલતો જતો હતો. એવામાં કથ્થઇ કલરની હોન્ડા કાર વારંવાર હોર્ન મારી મારી બાજુમાં આવતી હતી. રસ્તાની સાઇડમાં હતો તો પણ કોણ હેરાન કરે છે ? જોયું તો મારો જીગરી ન્યૂઝ ટ્વેન્ટી ફોરનો બ્યૂરો ચીફ ભૂપેન્દ્રસિંહ ઠાકુર હતો.
ગુસ્સો બરફની જેમ ઓગળી ગયો. મે કહ્યું અરે ભૂપ્પી..., ત્યાં જ એણે કહ્યું કે, ગાડીમાં બેસો, પછી વાત,...પ્યારા દોસ્તની મીઠી ફરિયાદ ચાલુ..ઓફિસે ચ્હા પીવા નથી આવતા, ફોન નથી કરતાં... વગેરે  વગેરે...મેં કહ્યું કે યાર એમ જ...એણે તરત ખુશ થઇને કહ્યું કે, ભાર્ગવભાઇ હવે વજન વધ્યું છે, ક્યાં નીકળ્યા? મેં કહ્યું કે, આંટો મારવા, ચલ ચ્હા પીએ. ભૂપેન્દ્ર અને એના કેમેરામેન પ્રિતેશે કહ્યું કે, ચાલો અમારી સાથે...ચ્હા પીશું, કલાકમાં આવીએ.

હું ગાડીમાં બેઠો, વાતોની શરૂઆત થઇ, ભૂપેન્દ્ર વચ્ચે બિમાર હતો, મને ખબર ન હતી. એની પત્ની પણ બિમાર પડી ગઇ હતી, એની વાતો થઇ...એણે કહ્યું કે, પાણીની સ્ટોરી કરવા જાઉં છું.કંટાળશો તો નહીં ને? મેં કહ્યું જિંદગીમાં આ જ કર્યું છે, ચાલને જૂના દોસ્તોને મળીશ. તું સ્ટોરી કરજે, શહેરમાં જવાતું નથી, મને એક દોસ્તના ત્યાં  ઉતારી દેજે. સ્ટોરી પતાવીને વળતા મને પાછો લઇ લેજે. એણે મને મારા દોસ્તની ઓફિસે ઉતાર્યો અને એ સ્ટોરી કરવા  નીકળ્યો. મારો દોસ્ત બહારગામ હતો. એના માણસે મને ચ્હા પીવડાવી. મેં એને પૂછ્યું ભાઇ ક્યા તાજા? એણે કહ્યું ભાર્ગવ સાબ આપકો વો ગદુડિયે કા શુટિંગ કરને લે ગયા થા ના? વો બસ્તી જલ ગઇ. (બ્રાઉન શુગર પીવાવાળાને ગદુડિયા કહે છે.) મને યાદ આવ્યું કે એ વખતે ઝુંપડામાં કેમેરા લઇને હું અને સુબોધ વ્યાસ બ્રાઉન શુગરના કાળા કારોબારનું શુટિંગ કરવા ગયા હતાં. લોકોએ અમને ઘેરી લીધા હતાં અને બ્રાઉન શુગરના ધુમાડાથી સુબોધલાલની હાલત ખરાબ થઇ ગઇ હતી અને અમને આ ભાઇએ બચાવીને બહાર કાઢ્યા હતાં.
મેં તરત કહ્યું કે, બહુ લોકો મર્યા હશે નહીં ? એણે કહ્યું કે, મર્યા તો  નથી પણ 280 ઝૂંપડા બળી ગયાં. ગીચ વસ્તી મેદાન થઇ ગઇ છે. હું ઇન્તેજારી  રોકી ન શક્યો. મેં કહ્યું, ચાલ જઇએ. બળબળતા તડકામાં બાઇક પર અમે ત્યાં પહોંંચ્યાં. ચંડોળા તળાવમાં બળેલા  ઘરો પાસે લોકો પોતાનો બચેલો સામાન શોધતા હતાં. એક લાલ શર્ટ અને બ્લ્યુ જિન્સ પહેરેલો યુવાન ગરીબ અને ઘરડાં લોકોને મદદ કરતો હતો. કોઇને ઘરવખરીનો સામાન તો કોઇને દવા આપતો હતો.

હું એની પાસે ગયો. એ ગરીબોને સાંત્વના આપતો હતો. એમના બળી ગયેલા  રાશન કાર્ડ, આધાર કાર્ડ ,  અને બીજો સામાન પાછો મળે તે માટે ઓફિસરો જોડે વાત કરતો હતો. અંગ્રેજી ફાંકડુ બોલતો હતો. બધા એને સન્નીભાઇ કહીને બોલાવતા હતાં. મને કોઇ એનજીઓ વાળો છોકરો લાગ્યો. એ  એક ઘરડાં માજીને ઉંચકીને બેઠા કરવાની કોશિશ કરી રહ્યો હતો અને મેં મોબાઇલથી ક્લીક કર્યો. અમારી આંખો મળી. એણે તરત જ કહ્યું ભાર્ગવ અંકલ આપ ઇધર? બતાયા ભી નહીં ? હું ભૂતકાળમાં જતો રહ્યો. થોડા વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયાથી ભણીને ઇન્ડિયા આવેલો મારા મિત્ર શરીફખાન પઠાણનો ભત્રીજો  શહેઝાદખાન હતો. હું પહેલીવાર મળેલો ત્યારે ભારત દેશમાં ગરીબો માટે કાંઇક કરવાનું તેનામાં ગજબનું ઝનૂન એની આંખમાં હતું. એ સેવાનું કામ કરતો અને ચૂંટણી લડીને કોર્પોરેટર થયેલો છે. એ વખતે પણ શહેઝાદમાં લોક સેવાનું જબરૂ ઝનૂન હતું. અહીંના વિસ્તારમાં સન્નીભાઇના હુલામણા નામથી ઓળખાતા શહેઝાદને મેં પૂછ્યું કે, ક્યા મામલા હૈ?

અમે એક તૂટેલી ચારપાઇ પર બેઠા. એણે કહ્યું કે, 25 માર્ચે રાત્રે ગેસનો બાટલો ફાટ્યો અને 280 ઝૂંપડા બળી ગયાં. બધાનો સામાન બળી ગયો. લોકો પાસે ખાવાનું નથી. અમે બધાએ ભેગા થઇને ઘરવખરી અપાવી  છે. અમારી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો, જગન્નાથ મંદીર અને બીજા હિન્દુ મુસ્લીમ સંગઠનના લોકોએ  ભેગા થઇને એમને ટેમ્પરરી ઘર બને  એટલો  સામાન અને અનાજ ભેગુ કરી આપીએ છીએ.
આ લોકોના રાશન  કાર્ડ, આધાર કા્ર્ડ પણ ઘરવખરીની સાથે બળી ગયા છે. આ મહીને રાશન લાવવું પણ ભારે પડશે. એટલે ઓફિસરો સાથે વાત કરીને વ્યવસ્થા કરી રહ્યો  છું. પણ ગરીબોનું કોઇ સાંભળતું નથી. રાશનકાર્ડ નહીં હોય તો  અનાજ નહીં મળે અને આધાર કાર્ડ નહીં હોય તો ગેસનો બાટલો નહીં મળે. હજી સુધી એમની એફઆઇઆર જ નોંધાઇ નથી. એફઆઇઆર નોંધાય તો કાંઇ કામ બને,
મેં તરત જ એડવોકેટ શમશાદ પઠાણને ફોન લગાવ્યો. શમશાદ પઠાણે જે કાંઇ વાત કરી એ સાંભળીને મારાં રૂંવાડા ખડા થઇ ગયા. શમશાદ પઠાણે કહ્યું કે, ભાર્ગવભાઇ 280 ઘરમાંથી 93 ઘરમાં ગેસના બાટલા ફાટી ગયા  છે. પોલિસ એફ.આઇ.આર નથી નોંધતી એટલે ગેસનું નવું કનેક્શન નહીં મળે. આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા  પૂરાવા નહીં હોવાને કારણે બીપીએલ કાર્ડ કે અંત્યોદય કાર્ડ નહીં બને. બધુ જ બળી ગયું  છે. એટલે પાણી,  વીજળી અને ગટરની સુવિધા નથી. આ લોકોના દિવસો કેવા જશે?  જીવતે જીવ નર્કની જિંદગી જીવી રહ્યા છે, પણ સાંભળવાવાળું કોઇ નથી. હિન્દુ મુસ્લીમ સેવાભાવી સંગઠનો દિલ ખોલીને આ ગરીબોને મદદ કરી રહ્યા  છે. પણ પોલિસને  એક એફઆઇઆર નોંધવાાની ફુરસદ નથી. જો એફ.આઇ.આર નોંધાય તો કોર્ટમાં કેસ કરી શકું અને આ ગરીબોને કાંઇક મળે.
હું વાત કરતો હતો અને શહેઝાદ સાંભળતો હતો. એ થોડું મરક્યો અને મને કહ્યું કે, ભાર્ગવ અંકલ, મેં જ્યારે કહ્યું કે, ગરીબોની સેવા કરવી છે, ત્યારે તમે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાથી ભણીને બીજું કાંઇ કામ કર...અહીં ધૂળને ઢેફાં લેવાનાં છે? હવે જુઓ, ઝૂંપડીઓમાંથી ધૂળને ઢેફામાં આવેલાને મદદ કરી જે સંતોષ મળે છે એ કદાચ મને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવાથી ન મળત.
હું શહેજાદની વાત સાથે સહમત થયો.. અમે એની ગાડીમાં બેસી પાછા આવતા હતાં ત્યાં એના માણસને કહ્યું કે, ભાર્ગવ અંકલ કે લિયે ઉનકી સ્પેશિયલ ચાય લેકે ઓર રૂમ ટેમ્પ્રેચરવાલી બિસ્લેરી કી બોતલ લાના, ઠંડા નહીં પીએંગે. સહી હૈ ના?  હું એની સામે જોઇ રહ્યો. એના વિસ્તારના ગરીબોની તકલીફ સાંભળતો વળી પાછો ફોન કરવા લાગ્યો. મારી  ચ્હા આવી. બળેલા ઝૂંપડા, લાચાર ગરીબ ઘરડાં માણસો, આધારકાર્ડ અને રાશન કાર્ડ માટે ટળવળતા લોકો, આંખ સામે ફરતા હતાં. પાણીની આખી બોટલ ગટગટાવી ગયો. દિલમાં બળતરા  ચાલુ હતી. મારી મનપસંદ આખા દૂધની ચ્હાનો સ્વાદ જાણે કડવો લાગતો હતો.
એટલી વારમાં  ભૂપેન્દ્રસિંહ આવી ગયો. હું ખિન્ન હતો. ભૂપેન્દ્ર પાણીની તકલીફની વાત કરતો હતો. પણ એની વાતમાં મારૂં ધ્યાન ન હતું. હું બારીના કાચમાંથી બહાર જોતો હતો. ત્યારે જલનકાકા (જલન માતરી) સાથે જ્યાં છેલ્લે આઇસક્રીમ ખાધો હતો એ જગ્યા યાદ આવી ગઇ અને સાથે જ એમની કવિતાની બે લાઇન યાદ આવી ગઇ....

ખુદા તું સાચ્ચે જ મૂડી વાદી છે !
નહીંતર, તે બધાના તકદીર સરખા લખ્યા હોત !

ત્યારે મેં એમને કહ્યું હતું કે, ભગવાન સામેની ફરિયાદ બંધ નહીં કરો?  તો  એમણે બીજો શેર કહ્યો હતો.

રોશની ચાહિયે તો ખુદ ચિરાગ બનાઓ !
દુઆઓ સે ચાંદ નહીં નીકલતે !

કદાચ શહેઝાદખાન પણ ઓસ્ટ્રેલિયાથી ભણીને આવ્યા પછી રોશની માટે ખુદ ચિરાગ બનાવી રહ્યો છે....દુઆ માંગીને ચાંદની રોશની નથી ફેલાવતો...!

Monday, 2 April 2018

બંધ કરો હવે બંધઃ મેવાણી ગુજરાતમાં એનાર્કિસ્ટ પોલિટિક્સ ન લાવો!


સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી એટ્રોસિટી એક્ટમાં સુધારા માટે દલિત અને આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા. ખોટું નથી. અસ્તિત્વ ટકાવી રાખવા વિરોધ કરવો વાજબી છે. શાંતિપૂર્ણ વિરોધમાં પથરો નંખાયો બપોર પછી જ્યારે જીજ્ઞેશ મેવાણી મેદાનમાં આવ્યો. ઉનાના દલિતોની આગ પર પોતાના રોટલા શેકી છાતી પર દલિત નેતાનું પાટિયું લગાડીને ફરી રહેલા જીગ્નેશ મેવાણી ધારાસભ્ય ધમાલ કરવા જ બન્યો હોય એવું લાગે છે. મુંબઇમાં વર્ષો સુધી જમીન પર સુઇ રહેનાર જીગ્નેશને ગુજરાત કરતાં મુંબઇના કેટલાક લોકો વધુ નજીકથી ઓળખે છે. ખાવાનાં સાસા હતા ત્યારે જીજ્ઞેશ મુંબઇની ગલીઓમાં વડા પાઉં ખાઇને દિવસ ગુજારતો હતો. હવે એ બ્રાન્ડેડ કપડાં અને ઘડિયાળમાં દેખાય છે. કારણ કે એ હવે ઉનાના દલિતકાંડ બાદ ગુજરાતમાં એનાર્કિસ્ટ પોલિટિક્સ રમવાની કળા શીખી ગયો છે. એનાર્કિસ્ટ પોલિટિક્સ એટલે કે, સરકાર અને વ્યવસ્થા સામે નારાજ લોકોનો ગુસ્સો ભડકાવી પોતાની સાથે કરવા. એમના ગુસ્સામાં ઘી હોમી હોળી કરી નાસી જનારો આ નેતા હવે દલિતો પરના અત્યાચારને સળગાવી એનાર્કિસ્ટ પોલિટિક્સ રમી રહ્યો છે. પોલિસ, પોલિટિશિયન અને ગલીના નેતાથી ડરતા લોકો સામે મસીહા બનવા પોલિસને જાહેરમાં ગાળો બોલી ખુદ વિડિયો ઉતરાવી તેને વાયરલ કરાવી, શિયાળમાંથી સિંહ બની જાય છે.
 ઉના કાંડમાં દલિતોને માર પડ્યો, ત્યારે એને પડતાં ચાબખાંનું દર્દ એ વિડિયો જોતા મને પણ મહેસુસ થતું હતું. દલિતોને જાહેરમાં માર મારવો, એ કોઇ રીતે સ્વીકારી શકાય એમ નથી, પરંતુ એમને ઉશ્કેરવા કેટલા યોગ્ય છે? ભાનુભાઇએ દલિતો માટે આત્મ વિલોપન કર્યુ ત્યારે ખબર જોવાને બહાને હોસ્પિટલના આંટા મારી મીડિયા સામે તેજાબી ભાષણ આપી એ.સી. રૂમમાં સંતાઇ ગયેલો જીજ્ઞેશ થાનગઢમાં ત્રણ દલિતોના મોતના મુદ્દે રાજકારણ ન રમાયું એટલે ચૂપ રહ્યો. બોટાદ જિલ્લાની દલિત છોકરીના વાળ ખોપરીમાંથી ઉખડી ગયા અને કાન પણ કપાઇ ગયો ત્યારે હોસ્પિટલનો આંટો મારી ભાષણ ભરડી દલિતનો મસીહા બનવા નીકળી જાય છે. આજે પણ એટ્રોસિટી એક્ટમાં સુધારો કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે બંધના એલાનમાં શાંતિપૂર્વક દેખાવો કરી રહેલા દલિતોને ભાષણ આપ્યા પછી અમદાવાદમાં તોફાનો થયા અને ગુજરાતના કેટલાય નાના મોટા શહેરોમાં દલિતોએ તોફાનો કર્યા.
સ્વભાવિક છે કે દલિતોને એટ્રોસિટી એક્ટમાં સુધારાની વાતથી પોતાના અસ્તિત્વ સામે જોખમ દેખાય અને અંદરથી ગુસ્સો હોય, એમાં ખોટું નથી. કારણ કે, વર્ષોથી પિડાતો આ વર્ગ છેલ્લા ત્રણ વર્ષમાં જ અત્યાચારનો સૌથી વધુ ભોગ બની રહ્યો છે. એમનામાં ગુસ્સો ગજબનો છે, પણ ધરબાયેલો છે. કારણ કે, 2015માં ગુજરાતના દલિતો પરના અત્યાચારના 1046 એટલે કે રોજના ત્રણ બનાવ બન્યા છે. બીજા શબ્દોમાં કહું તો દર આઠ કલાકે ગુજરાતમાં એક દલિત પર અત્યાચાર થાય છે. 2016ના આંકડા પ્રમાણે એક વર્ષમાં દલિતો પર 1365 એટલે કે દર સાત કલાકે એક દલિત પર અત્યાચાર થયો છે. 2017ના ઓગસ્ટ મહીના સુધીના આંકડા આનાથી વધુ ખરાબ છે. માત્ર ઓગસ્ટ મહીના સુધીમાં 1085 એટલે કે આઠ મહીનામાં દર ચાર કલાકે દલિત પર અત્યાચાર થાય છે. એવા સંજોગોમાં એટ્રોસિટીએક્ટમાં સુધારો દલિતોના દબાયેલા ગુસ્સાને ઓર ભડકાવે છે અને એ ખોટું નથી. આવું થાય ત્યારે પોતાનું અસ્તિત્વ જોખમમાં મુકાય ત્યારે દુનિયાના દરેક દેશમાં પિડિતોનો આક્રોશ સામે આવે. એમને સતત લાગે કે, કાનૂન વ્યવસ્થા એમને રક્ષણ આપતી નથી. દબાયેલો કચડાયેલો વર્ગ પોતાના મસીહા તરીકે એક સુપરમેનને શોધે છે. અને સત્તા સામે અવાજ ઉઠાવનાર તેમને સુપરમેન લાગે છે. જેને અંગ્રેજીમાં એક્ઝીસ્ટાલિઝમ કહેવાય છે. ફ્રાન્સમાં આવી જ રીતે પિડિતોએ અને દબાયેલા વર્ગોએ એક્ઝીસ્ટાલિઝમના કારણે અનેક લોકોની હત્યા કરી હતી. દરેક પિડિત પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનો રસ્તો શોધે છે. એ સંજોગોમાં આવા છૂંછી કરીને દરમાં સંતાઇ જતા જીજ્ઞેશ મેવાણી જેવા નેતા એમના ગુસ્સાને આગ આપી ગુમ થઇ જાય છે. જેના કારણે સત્તાનો વિરોધ કરવા એનાર્કિસ્ટ પોલિટિક્સ ઊભું થાય છે. જેમાં લોકોને પોલિસ, પોલિટિશિયન, ન્યાયતંત્ર પરથી ભરોસો ઊઠી જાય છે, અને તેઓ લોહિયાળ ક્રાન્તિ તરફ વળી જાય છે. આવું જ કામ અત્યારે દલિતો સાથે જીજ્ઞેશ મેવાણી કરી રહ્યો છે. એટલે જ ઉનાની સળગતી આંચ પર ઉની રોટલી શેકનાર જીજ્ઞેશ, ઉનાના પિડિતો પોતાનો ધર્મ બદલવા નીકળ્યા છે, ત્યારે પીળો બ્રાન્ડેડ શર્ટ પહેરી બરાડા પાડી નારાજ દલિતોને ઉશ્કેરવાને બદલે ઉનાના પિડિતોની મદદે કેમ જતો નથી?
1985માં બાળોતિયા પહેરનાર જીજ્ઞેશને એ ખબર નહીં હોય કે, 1981માં આવા જ આંદોલનના કારણે દલિત મુસ્લીમો વચ્ચે વૈમનસ્ય થયું હતું અને એની અસર 1985માં થઇ હતી. સવર્ણ અને દલિતો વચ્ચેના તોફાનોના કારણે ગુજરાતમાં છ મહીના હિંસા ચાલી હતી. ગુજરાત દલિત સવર્ણ આંદોલનમાં હોમાયું હતું. છ મહીના ચાલેલા તોફાનોએ ગુજરાતને હિંસાનું પ્રતિક બનાવ્યું હતું. જીજ્ઞેશ હવે એવું જ એનાર્કિસ્ટ રાજકારણ રમી ગુજરાતને ભડકાવવા માગે છે? નહીંતર ઉનાના દલિતો, ભાનુભાઇના આત્મવિલોપન, ઘોડી પર બેસનાર દલિત યુવાનની ચિંતા કર્યા વગર બપોરે પીળું શર્ટ પહેરી દલિતોની આંખમાં હિંસાનો પિળિયો કરાવવા નીકળ્યા પછી ગરીબ દલીતો પર લાઠીચાર્જ થયો અને ટીયરગેસ છૂટ્યો ત્યારે એ.સી કેબિનમાં કેમ સંતાઇ ગયો? ઉનામાં જમીન ગુમાવનાર દલિત ખેડૂતોના ઉપવાસની કેમ પરવા કરતો નથી? ભાવનગરના દલિત અને ગરીબ ખેડૂતની જમીનની વાત કેમ કરતો નથી? ધારાસભ્ય થતાની સાથે જ એસયુવી ગાડીમાં ફરવા માંડનાર જીજ્ઞેશને દર ત્રણ કલાકે એક દલિત પર થતો અત્યાચાર કેમ દેખાતો નથી ? 14મી એપ્રિલે મોટા આંદોલનના એલાનનો હુંકાર કરનાર જીજ્ઞેશ મેવાણી જો દલિતોનો હામી હોય તો હવે આ બંધને બંધ કર અને આજે તોફાનોમાં ઇજા પામેલા દલિતોને મળ. પણ મહેરબાની કરીને 80ના દાયકામાં હાજી મસ્તાન નામનો દાણચોર ગુજરાતમાં દલિત મુસ્લીમનું ભાઇ ભાઇનું ગંદું રાજકારણ રમી ગયો હતો એવું એનાર્કિસ્ટ રાજકારણ ગુજરાતમાં રમવાનું બંધ કર અને દલિતોને તોફાનોની હિંસાની આગમાં હોમવાનું બંધ કર!... જય ભીમ

Saturday, 31 March 2018

વાંચકોની તાકાત જોઈ વિકાસનો વાંદરો હવે હનુમાનજીના વડ પર હીંચકા ખાશે!



દર શનિવાર ની જેમ આજે પણ હૂ હનુમાનજી ના મંદિરે દર્શન કરવા જતો હતો આજે હનુમાન જયંતિ હતી એટલે મારા દોસ્તની દીકરી પીહુને લઈને મંદિર ગયો. બોલકી પીહુના સવાલોના જવાબો આપવામાં હું ભૂલી ગયો કે વસ્ત્રાપુર ગામનો રસ્તો બંધ છે. દર વખતની જેમ આઈ.આઈ.એમ નો બ્રીજ ઉતર્યો તો રસ્તો બંધ હતો.
  હું ગાડી પાછી વાળતો હતો, ત્યાં જોયુ કે, જે વડને વિકાસનો વાંદરો ખાઈ જવાનો હતો એ આજે શણગારેલો હતો. એની બખોલમાં બનેલા સ્વયંભું હનુમાનજીના મંદિર પાસે લોકો દર્શન કરી રહ્યા હતા, અને બહાર ટેબલ પર પ્રસાદના પડિયા પડેલા હતા. મને થયુ કે ભગવાનના નામે અહીં કોઇએ હાટડી ખોલી દીધી કે શું ? હું પીહુને લઇને નીચે ઉતર્યો. વડની બખોલમાં આવેલી હનુમાનજીની દેરી શણગારેલી હતી. બાજુમાં એક રીક્ષામા સ્પીકરો મૂકી જોર જોરથી ભજનો વાગી રહ્યા હતા અને લોકો દર્શન કરી રહ્યા હતા. હું અને પીહુ દર્શન કરવા ગયા મે મંદિર પાસે પૈસા મૂકવાનો પ્રયાસ કર્યો ત્યાજ એક બહેન આવ્યા અમને પૈસા મૂકતા રોક્યો અને કહ્યુ કે અહી અમે વડ વાળા હનુમાનની બાધા રાખી છે, પૈસા નહી મુકવાના પણ પ્રસાદ લીધા વગર કોઇએ એ જવાનુ નહી, પણ ભેટ નહી મૂકવાની મે કહ્યુ કેમ?  તો ઍમણે કહ્યુ કે અમે ગામના લોકોએ બાધા રાખી છે કે અહીં વડ વાળા હનુમાન અને વડ રહે, એ માટે વડ શણગાર્યો છે અને ગામ ના લોકોએ ફાળો ઉઘરાવી પ્રસાદ કર્યો છે. કોઇની ભેટ લેવાની નહી પણ દરેકને પ્રસાદ ફરજિયાત આપવાનો.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની શ્રધ્ધા જોઈ હું અચંબામાં પાડી ગયો એ બહેને પ્રસાદનો પડિયો આપ્યો. નાનકડી પીહુ પ્રસાદ લઇ રહી હતી. મે મારા જાણીતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને ફોન કર્યો. ફોન ઉપાડવાની સાથે જ એમણે મને કહ્યુ હવે વાયડો થાય તો ય વાંદરો તમારો વડ નહી ખાય. બોલો બીજું કાંઇ? મે તરત જ ઓફિસરને કહ્યુ કે મેં હજી કાંઇ સવાલે ય નથી કર્યો અને તમે જવાબ આપી દીધો? એ ઓફિસરે તરત મને કહ્યુ તમે સોશિયલ મીડિયા પર લખ્યુ અને મને ફોન પર ફોન આવવા લાગ્યા. ભા.જ.પ. અને કોંગ્રેસના નેતા તો ઠીક, લોકોએ ફોન કરીને અમને ગાળો દેવાનુ શરૂ કરી દીધુ હતું. અમે લોકોનો આક્રોશ જોઈ નક્કી કર્યુ કે, હવે આ વડ નહી હટાવીએ.
ફોન મૂકીને મેં મારા ‘’વિકાસનો વાંદરો વાયડો થયો’’નો બ્લોગ કેટલા લોકો એ વાંચ્યો, એ જોયું તો મને ખુદને આશ્ચર્ય થયુ, એટલે હું પહેલીવાર આ આંકડા આપની સામે મૂકુ છું. કારણ કે હું ખરેખર મારા બ્લોગના વાંચકોનો આભારી છુ કે એમણે આખો ય મુદ્દો ઉપાડી લીધો. આ પહેલા પણ બ્લોગના વાંચકોએ અપંગ ખેલાડી હરીશને હંગેરી ઓલિમ્પિકમાં જવામાં મદદ કરી હતી. હરીશ ઓલિમ્પિકમાં સિલેક્ટ થયેલો પણ તેની પાસે હંગેરી જવાના પૈસા ન હતાં. પણ વાંચકોએ દર્શકોએ હરીશની ઝોળી છલકાવી અને હરીશ હંગેરી જઇને ભારત માટે સિલ્વર મેડલ જીતી લાવ્યો હતો અને આ વખતે વાંચકોએ વડ બચાવ્યો. કલ્પેશ પંડ્યા, રાકેશ ચૌધરી, મૂકેશ ભાવસાર, શિવા બાપુ, રાજા શર્મા, કલ્પેશ મોદી, ગુણવંત જૉશી, જેવા ઘણા વાંચકોએ મને કહ્યુ હતુ ક એમણે વડવાળા હનુમાનનો બ્લોગ અલગ અલગ ગ્રૂપમાં ફૉરર્વર્ડ કર્યો છે.  ભા.જ.પ.ના પણ ઘણા કાર્યકરોએ આ બ્લોગ ફૉર્વર્ડ કર્યો હતો, પણ ઍમના નાં નથી લખતો કારણ કે એમણે સરકારના વિરોધમાં લખેલો બ્લોગ ફોરર્વર્ડ કર્યો હતો એટલે નાહકના મુશ્કેલીમાં મુકાય.

ખેર, હું અહીંથી નીકળતો હતો ત્યારે મેં પ્રસાદ વહેચી રહેલા બહેનને કહ્યુ કે હવે આ વડ નહી કપાય ખબર છે?  એમણે ક્યુ ખબર નથી પણ ફોનમાં વાંચ્યું હતુ કે વિકાસનો વાયડો વાંદરો હનુમાન જ્યંતિના દિવસે વડ કાપશે એટલે વડ ના કપાય એના માટે મેં બધા રાખી હતી. ચાલો બધા ફળી અમે ૧૦-૧૦ રૂપિયા ભેગા કેરી બાધા પુરી કરીશું.

એટલી વારમાં હનુમાન ભક્ત રાજા શર્મા કાળા શર્ટમાં દેખાયાં, મેં તરત કહ્યુ અરે રાજા બાબૂ કાળા શર્ટ મા? એમણે ક્યું કાળો શર્ટ જ પહેરુને? આજે વડ કપાવવાનો છે, મેં કહ્યું કે હવે નહીં કપાય. તો એમની આંખમાં ચમક આવી ગઇ. રાજા શર્માએ કહ્યુ કે ભાર્ગવભાઈ, હું નાનો હતો ત્યારથી આ વડને જોઉ છું. મારી માતા અને બીજા ઘણા લોકોને વડ સાવિત્રીના દિવસે અહી પૂજા કરતા જોયા છે. આ વડ લોકોની આસ્થાનુ સ્થળ છે. સરકાર રોડ પહોળો કરે તો બીજા ઝાડ ઉગાડે, પણ કાપવાની વાત તો કેમ ચલાવાય? પણ હવે વડ નહી કપાય એટલે શાંતિ, ઘણા પક્ષીઓનો આશરો છે આ વડમાં...
રાજા શર્માની જેમ મને પણ એક વાર શાંતિ થઈ કે હવે વડ નહી તૂટવાથી લોકોની લાગણી નહી દુભાય, પરન્તુ મારી સંવેદનાને વાચા આપવા બદલ મારા વાંચકોનો ફરી એક વાર એમનો આભાર માનુ છુ અને મારો બ્લોગ વધુ વધુ લોકો સુધી પહોચાડવામાં જેમણે મદદ કરી છે, એમનો પણ આભાર માનુ છું. જેમનુ નામ લખવાનું રહી ગયુ હોય તો એમની માફી માંગુ છું, પણ એક વાતનો સંતોષ છે કે, હવે સરકારી બાબુ પણ વિકાસના વાંદરાને વાયડો ગણવા લાગ્યા છે અને આનંદ એ વાત નો છે કે વિકાસનો વાયડો વાંદરો હવે હનુમાનજીના વડની ડાળી પર ઉંધો લટકીને હીંચકા ખાશે એમા શંકાને કોઇ સ્થાન નથી. 

Friday, 23 March 2018

વાલિયો લૂંટારો ભિખારી બન્યો, તો બેસ્ટ ભિખારીનો એવોર્ડ જીત્યો!


       

     
પાંચોટમાં કરોડપતિ કૂતરાઓને મળીને અમે પાછાં આવી રહ્યા હતાં, ત્યાં કેમેરામેન કલ્પેશ મોદીએ કહ્યું કે, સાહેબ મહેસાણા આવ્યા છીએ તો ભાખરી અને શાક જમીએ. મેં કહ્યું ઠીક છે., મારે તો તબિયતના હિસાબે બહાનું તીખું અને તેલવાળું ખાવાનું ન હતું. એટલે મેં કલ્પેશ મોદીને કહ્યું કે, ભાઇ તું અને ડ્રાઇવર જમી લો. હું આંટો મારીને આવું છું.
મહેસાણામાં મેં બહુ વખત પહેલા મે જામફળ અને પાનનો લોકલ મેડ આઇસ્ક્રીમ ખાધો હતો. એ જગ્યા જાણીતી ભાખરી શાકની હોટલથી ચાલતા જવાય એટલી નજીક હતી. મેં લાંબા સમય પછી પાન અને જામફળના આઇસક્રીમ ખાધા અને પાછો જતો હતો ત્યાં પત્રકાર મિત્ર સંકેત સિદાના એનું બાઇક લઇને પાંચોટથી પરત આવતો મળ્યો હતો. અમે ભાખરી શાકની હોટલ બહાર વાતો કરતાં ઊભા હતા, ત્યાં મોદીએ બહાર આવીને કહ્યું કે, ‘હું જમ્યો ત્યાં સુધીમાં ગોદડિયા બાપુને મળી આવ્યા કે શું?
 મને યાદ આવ્યું કે, આ વખતે મહેસાણા આવ્યો અને ગોદડિયા બાપુને 500 રૂપિયા નથી આપ્યા. મેં સંકેતને કહ્યું કે, ‘યાર, આ ક્યાં મળશે?’ સંકેતે કહ્યું કે, ‘મદીર પાસે ઝાડ નીચે હશે. સાંજે જૈન મંદીર આવશે. મળવું હોય તો શોધીએ.’ હું અને સંકેત મોટરસાયકલ પર ગોદડિયા બાપુને શોધવા નીકળી પડ્યાં. મોદી મને છોડે એમ ન હતો. એણે કાર અમારી પાછળ પાછળ લીધી. એક મંદીર પાસે પહોંચ્યા એટલે ગોદડિયા બાપુ ઓળખી ગયા. કાઠિયાવાડી લ્હેકામાં અમને કીધું કે, ‘ઓહો આજે વગર કેમેરાએ વહાલા... ?’ હું થોડું મરક્યો, મેં કહ્યું કે ‘હું તમારો ટેક્સ આપવા આવ્યો છું એમ કરી મેં 500ની નોટ આપી .’ એણે ગોદડી જેવા પોતાના ખિસ્સામાં હાથ નાંખી 500ની નોટવાળા બંડલ પર મૂકી ફરી ગોદડીના ગજવામાં બંડલ નાંખ્યું.
સંકેતે મજાકમાં કીધું, ‘બાપુ ટોપીમાં કેમ નહીં, તરત એણે કહ્યું કે, એ બે હજારની નોટોનું છે. એમ કહી ટોપીમાંથી બે હજારની નોટોનો થોકડો કાઢ્યો. હું હસ્યો એટલે એણે મને કહ્યું કે, ‘100 જુદા, 50 જુદા, 10 જુદા...’જુઓ કહી બંડલો બતાવવા માંડ્યા. એટલામાં મોદી અમારો પીછો કરતો કરતો આવી પહોંચ્યો, મોદી કેમેરો કાઢીને ફોટા પાડવા જતો હતો ત્યાં ગોદડિયા બાપુએ આંખના પલકારામાં પૈસા જ્યાં હતાં ત્યાં ગોદડી છાપ જેકેટ અને ટોપીમાં પાછા ખોસી દીધા. મેં કહ્યું કે એ મારી સાથે છે. પછી એમને રાહત થઇ.
મેં પૂછ્યું કે ‘કેટલા પૈસા ભેગા થયા?’ તો કહે કે, ‘તમારા પાંચસો સાથે એક લાખ 96 હજાર 570 થયા. બસ બે લાખ થાય એટલે આ વખતે ચોપડાંને બદલે છોકરીઓને સોનાનું દાન કરવું છે. કારણ કે એક લાખ તો ભીખ માગવાના એવોર્ડના મળ્યાં છે, અને મારા હાળાઓએ લાખ રૂપિયા આપ્યા પણ એવોર્ડ વેચવા ગયો...તો એના બે હજાર રૂપિયા જ આયા’ બોલો કેવા છે, હું હસી પડ્યો કે, ‘લોકો એવોર્ડ મેળવવા લોહી પાણી એક કરે છે અને આ ગોદડિયા બાપુને એવોર્ડની કિંમત નથી.’

આ ગોદડિયા બાપુ કોઇ સંત મહાત્મા નથી. પણ મહેસાણાની ગલીઓમાં ભીખ માગવા માટે એવોર્ડ જીતનાર ભિખારી છે. આ ભિખારી ભીખ માગીને જે પૈસા મળે તે ગરીબ છોકરીઓના ભણતર માટે વાપરે છે. આથી લોકો એને સામેથી શોધીને ભીખ આપવા આવે છે.
આમ તો ગોદડિયા બાપુ ખુલીને કોઇની સાથે વાત કરતાં નથી. પરંતુ ઝી ન્યૂઝમાં મે એમની સ્ટોરી કરી હતી, અને સંકેતે જીએસટીવીમાં સ્ટોરી કરી હતી. પછી એને એવોર્ડ મળ્યો હતો. હું જ્યારે મહેસાણા જાઉ ત્યારે એમને 500 રૂપિયા આપતો આવું છું. પણ એ 500થી એક રૂપિયો વધારે લેતા નથી. બદલામાં મને ચ્હા પીવડાવે છે. આજે અમે એકલા હતાં એટલે એમણે દિલ ખોલીને વાત કરી. ગોદડિયા બાપુના નામે ઓળખાતા આ ભિખારીનું મૂળ નામ ખીમજી પ્રજાપતિ છે. એના મૂળિયા મહેસાણામાં નહીં પણ રાજકોટમાં છે. ખીમજી પ્રજાપતિ રાજકોટમાં પહેલા વરલી મટકાનો ધંધો કરતો હતો અને રોજના હજ્જારો રૂપિયા કમાતો અને જલસાં કરતો હતો. એની જિંદગી મોજમાં જતી હતી પણ એક દિવસ એની જિંદગીનો ખતરનાક ટર્નિંગ પોઇન્ટ આવ્યો. રાજકોટનો એક  માણસ વરલી મટકાંના જૂગારમાં ખાસ્સાં પૈસા હારી ગયો. એના માથે દેવું થઇ ગયું અને એ ઘરબાર છોડીને ભાગી ગયો. ખીમજી પ્રજાપતિ ઉર્ફે ગોદડિયા બાપુને પણ એની પાસેથી જૂગારના પૈસા લેવાના બાકી હતાં. એ ઉઘરાણી કરવા ઘરે ગયો તો ઘર છોડીને ભાગી ગયેલા એ માણસે જૂગારમાં બધુ વેચી માર્યું હતું. એના બૈરી છોકરાંને ખાવાનાં પણ ફાંફા હતાં.
જૂગારમાં બરબાદ થયેલા પરિવારને જોઇને ખીમજીનું દિલ હલી ગયું. એને થયું કે લોકોને જૂગાર રમાડીને હું કમાઉં છું અને લોકો બરબાદ થાય છે. મન ખિન્ન થઇ ગયું. ખીમજી પાસે ખિસ્સામાં જે પૈસા હતા તે હારેલા જૂગારીને પરિવાને આપી રાજકોટમાંથી નીકળી ગયાં. મગજ બંધ હતું, જે બસ મળી એમાં બેસી ગયો. ખિસ્સામાં જેટલા પૈસા હતાં તે કન્ડક્ટરને આપીને કહ્યું કે, આ બસ ભાડું છેલ્લા સ્ટેશનની ટિકિટ આપો. એટલે ત્યાં ઉતરી જઇશ.

છેલ્લું સ્ટેશન આવ્યું મહેસાણા એ બસમાંથી ઉતર્યો, મહેસાણા હાઇવે પર જૈન મંદીરની બહાર બેઠો હતો. ખિસ્સામાં પૈસા ન હતાં. પેટમાં ભૂખ લાગી હતી. મંદીરના ઓટલે પડી રહ્યો, ત્રણ દિવસ સુધી મંદીરના ઓટલે ભૂખ્યા તરસ્યા પડી રહેલા ખીમજીને મંદીરમાંથી બહાર આવતા કેટલાક લોકોએ ભિખારી સમજી પૈસા આપ્યા. એ ત્યાં બેસી રહેતો. શનિવારે હનુમાન મંદીરે જાય. ગુરૂવારે સાંઇબાબા મંદીરે જાય. અને દિવસભર જૈન મંદીર પાસે હોય. ચ્હા બીડીની આદત અને બે ટાઇમ જમવાનું, પૈસા બચવા માંડ્યાં. ગજવામાં પૈસા થઇ ગયા એટલે નક્કી કર્યું કે, લોકોના પૈસા લોકોને આપવા. એથી મહેસાણાની સ્કૂલમાં ભણતી દરીબ છોકરીઓને ગણવેશ અને ચોપડાં અપાવ્યાં. ધીમે ધીમે આ સખાવતની વાત ટી.વી અને છાપાંમાં આવવા લાગી. લોકો આજે મહેસાણા હાઇ વે પર જૈન મંદીર ગાડી ઊભી રાખીને ખીમજી એટલે કે ગોદડિયા બાપુને પૈસા આપે છે. એ પોતાની ગોદડી અને ટોપીમાં પૈસા ભેગા કરે છે. પછી ગરીબ બાળકોને યુનિફોર્મ અને ચોપડીઓ અપાવે છે.
હવે ભીખ માગવાના પૈસા વધારે મળે છે. ગામમાં એની પાસેથી કોઇ ચ્હા કે, બીજીના પૈસા લેતું નથી. આથી ખીમજી પ્રજાપતિ ગોદડિયા બાપુ પાસે પૈસાનો ઢગલો થવા માંડ્યો છે. એ હવે ગરીબ છોકરીઓના સમૂહ લગ્ન કરાવીને તેમાં સોનું આપવા માગે છે. એની આ નિષ્ઠા જોઇને મદ્રાસની રોટરી ક્લબે એને વિમાનમાં બોલાવી એક લાખ રોકડા અને એવોર્ડ આપ્યો છે. એ પૈસા અને ભીખમાં મળેલા પૈસા, બધુ ભેગું કરીને હવે એ ગરીબ કન્યાઓને સોનાનું દાન કરશે.
એક જમાનામાં વરલી મટકાંથી લાખ્ખો રૂપિયા કમાનારો આ વાલિયો લૂંટારો ભિખારી બની ગયોતો ભીખ ભાગવા બદલ પણ એવોર્ડ જીતી લાવ્યો. મેં કહ્યુ બાપુ બીજા પૈસા આપું તો કહે કે, આપણો નિયમ છે કે, તમારી જોડેથી 500થી વધું નહીં લેવાના, એટલે બસ હાલો ચ્હા પીએ. મેં કહ્યું મોડું થાય છે. મારી ચ્હા ઉધાર રહી એટલે એણે મને તરત કહ્યું કે, આવતી વેળા 490 આપજો, પણ દીકરીઓના લગ્ન કરાવું ત્યારે ખાસ આવજો, એકનું કન્યાદાન તમારા હાથે કરાવવાનું છે. મેં કહ્યું કે, ચોક્કસ આવીશ અને ચાંલ્લો કરીશ બીજું કાઇ?
એણે કહ્યું કે ‘બસ મંડપવાળો મફત મંડપ આપવાનો છે. બામણ દક્ષિણા લેવાનો નથી. ગામના લોકો જમણવાર કરાવવાના છે. સૌની ઘડામણના પૈસા નથી લેવાના. એય ને મોજથી લગ્ન કરાવીશું. પણ આવવાનું ભૂલતા નહીં.’ હું, હા..ના કરૂં તે પહેલા ગોદડીવાળા પહેરણના ખિસ્સાંમાંથી ડાયરી કાઢીને 25 નંબર લખેલા હતાં તેમાઁથી બતાવીને કહ્યું આ તમારો નંબરને? મેં કહ્યું, હા. એણે ફરીવાર લગ્નમાં આવવાનો આગ્રહ કર્યો અને ટ્રાયસિકલમાં બેસીને ભીખ  માગવા નીકળી પડ્યો.
હું અમદાવાદ જવા કારમાં બેઠો. ત્યાં મારી જગજિતે ગાયેલી પ્રિય ગઝલ વાગતી હતી. એમાંથી એક કડી ખીમજી પ્રજાપતિ ઉર્ફે ગોદડિયા બાપુને લાગુ પડતી હતી.

‘‘મીલા હૈ ક્યા કીસીકો કિસીસે અમીરી સે
દિલો કે શાહ તો અક્સર ગરીબ હોતે હૈ’’

મહેસાણાથી અમદાવાદ આવતા મારા મગજમાં ગંદો, ગોબરો, લંગડો ગોદડિયા બાપુ ભિખારી રમતો હતો. અમદાવાદ નજીક આવ્યું ત્યાં મને કવિ ધૂની માંડલિયાની બીજી કવિતા યાદ આવી ગઇ કે,

ક્યાંય તારા નામની તક્તી નથી
એ હવા તારી સખાવતને સલામ

બસ આ ગોદડિયો ભીખ માગીને સખાવત કરે છે પણ પોતાની તકતી લગાવતો નથી. એ જોતા કહેવાનું મન થાય કે,

ક્યાંય તારા નામની તક્તી નહીં લાગે
તમ છતાં ય ભિખારી તારી સખાવતને સલામ        

તસ્વીરોઃ કલ્પેશ મોદી

Thursday, 22 March 2018

માણસે હાથ લગાડ્યો એટલે કૂતરાને હાર્ટ એટેક આવ્યો !


1820નો ડોગ અને આજનો ડોગ
પાંચોટના કરોડપતિ કૂતરાનો બ્લોગ વાંચી વાંચક રાકેશ ચૌધરીએ કોમેન્ટ કરી કે, આવા લોકોને પ્રોત્સાહન ન આપો. શેરીના કૂતરાં લોકોને પરેશાન કરે છે, એટલે મેં તપાસ શરૂ કરી કે, કૂતરાંના કરડવાથી શું થાય ? કૂતરાંના કારણે કેટલાના મોત થયા? પણ આ બધુ શોધતા શોધતા મારા હાથમાં નવી વાત આવી કે, કૂતરાએ માણસને પરેશાન કર્યા છે તેના કરતાં વધુ માણસે કૂતરાં પર અત્યાચાર કર્યાં છે.
માણસના કારણે હવે કૂતરાને હાર્ટ એટેક આવે છે....વાંચીને નવાઇ લાગે છે ને ? પરંતુ આ નરી વાસ્તવિકતા છે. બીજા વાંચક અને મિત્ર યોગેશ ઠક્કરે  મને પત્રકારના બદલે ડોક્ટર કહ્યો છે તો યોગેશ ઠક્કરની ઇચ્છા પ્રમાણે મેં સંશોધન શરૂ કર્યું, તો તમને નવાઇ લાગશે કે, આપણે છેલ્લા 200 વર્ષમાં કૂતરા પર એટલા અત્યાચાર કર્યા છે કે, એની શક્લ સુરત બદલી નાંખી છે. એટલું જ નહીં એને હ્દય રોગ, ડાયાબિટિશ અને કેન્સરના પેશન્ટ બનાવી દીધા છે. બ્રિટિશ વેટર્નરી એસોસિયેશને કૂતરાં પર કરેલા સંશોધનો જાણીને તમે હચમચી જ નહીં ખળભળી ઉઠશો, કારણ કે, બુલ ડોગ નામના કૂતરા પર 1820થી જે પ્રયોગો થયા છે એના કારણે એની શક્લ સુરત બદલાઇ ગઇ છે. તો જર્મન શેફર્ડ કૂતરાના પગનો શેપ બદલાઇ ગયો છે. માણસ અને કૂતરાની દોસ્તી આમ તો 12000 વર્ષ જૂની છે. પહેલા વિદેશમાં કૂતરાંનો ઉપયોગ શિકાર કરતી વખતે થતો હતો...અને કૂતરા કાયમ માણસને વફાદાર રહ્યા છે. પરંતુ માણસે કૂતરા પર એટલા ખતરનાક પ્રયોગો કર્યા છે કે, આજે કૂતરાં દયનીય હાલતમાં જીવી રહ્યાં છે.

પહેલા માણસ કૂતરાને પાળતો હતો. કારણ કે તેનું શારીરિક રક્ષણ કરતો હતો. બાળકો અને વૃધ્ધોની એકલતાના સહારારૂપે પણ કૂતરાનો ઉપયોગ થતો હતો. પરંતુ 18મી સદીમાં જ્યારથી ડોગ શો શરૂ થવા માંડ્યા અને રૂપાળાં કૂતરાઓને ઇનામ મળવા મળવા માંડ્યા ત્યારથી માણસોએ કૂતરાની ઘોર ખોદવાનું શરૂ કરી દીધું છે.
કૂતરાંની અલગ અલગ નસ્લ સાથેનું ક્રો,સ બ્રીડીંગ અને પેડિગ્રી સિસ્ટમના કારણે કૂતરાના આકાર બદલાઇ રહ્યાં છે. ફ્રેન્ચ અને ઇંગ્લીશ બુલ ડોગ પર જેવા પ્રયોગો થયા છે કે આજે આ કૂતરાને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને આંખ ખોલવામાં તકલીફ પડે છે. કૂકર ડોગ પર થયેલા પ્રયોગોના કારણે એના કાનનો શેપ બદલાઇ ગયો છે. એના કાનમાં ફંગસ અને બેક્ટેરિયા હોવાને કારણે એને કાનના સંખ્યાબંધ રોગો થાય છે. બોસ્ટન ટેરિયર પપી નામના ડોગની જાતિને તો હવે ક્રોસ બ્રીડિંગ પછી શ્વાસ લેવાની તકલીફ પડે છે. આ કૂતરાં જ્યારે ઉંઘતા હોય ત્યારે તેના શ્વાસોચ્છવાસનો અવાજ સંભળાય છે, અને ઉંઘમાં માણસની જેમ નસકોરાં બોલાવે છે. તો વળી ગ્રેટ ડેન્સ અને આઇરીશ વૂલ્ફ હોન્ડ પર એટલા બધા પ્રયોગો થયા છે કે, એમને હવે હ્રદયરોગની બિમારી થઇ ગઇ છે. તો વળી જર્મન શેફર્ડ અને બોક્સર નામની જાતના કૂતરાંઓને હવે ડાયાબિટિશ થવા માંડ્યો છે. એમના પર થયેલા પ્રયોગોના કારણે બ્લેડરમાં પથરી થાય છે. એટલું ઓછું હોય એમ આ બંને જાતમાં હવે કેન્સરનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તો કૂતરાંની ઘણી જાતમાં હવે ચાર વર્ષની ઉંમરે હ્રદય રોગ આવતા થઇ ગયા છે.
માણસે કૂતરાંને સુંદર અને આકર્ષક બનાવવા માટે એટલા બધા પ્રયોગો કર્યાં છે કે, હવે એમનામાં જનીનિક ખામી ઊભી થઇ ગઇ છે. 
એનું મુખ્ય કારણ એ છે કે, હવે કૂતરાઓનું બ્રીડિંગ કરાવવાનો નવો ધંધો શરૂ થયો છે. લોકો વિદેશમાં ચોક્કસ નસ્લના કૂતરાંના બ્રીડિંગ કરાવવાનો નવો ધંધો શરૂ થયો છે. લોકો વિદેશમાં ચોક્કસ નસ્લના કૂતરાંના બ્રીડિંગના 500 ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 35000થી 36000 જેટલા રૂપિયા લે છે. જેના કારણે અહીં આપેલા ફોટામાં જોઇ શકો છો. 1820નો બુલ ડોગ આજે 21મી સદીમાં કેવો દેખાય છે અને જર્મન શેફર્ડ કૂતરાંના પગમાં આવેલા ફરકને જોઇ શકો છો. પરંતુ મોટી સમસ્યા એ છે કે, આ કૂતરાં પોતાને થતી તકલીફની વાત કરી શકતા નથી. માટે જ આ જીવન માણસને વફાદાર રહેનાર કૂતરાં સાથે માણસે વફાદારી નિભાવી નથી. જેના પરિણામે માણસે કૂતરા પર હાથ મૂક્યો ત્યારથી એને ડાયાબિટિશ, કેન્સર અને હાર્ટ એટેક જેવી બિમારી થવા લાગી છે. કૂતરાંએ માણસ પર વિશ્વાસ મૂક્યો પણ માણસે કૂતરાં સાથે એવો તો વિશ્વાસઘાત કર્યો કે, એની આખી પ્રજાતિ એનું ફળ ભોગવી રહી છે.

નોંધઃ જાણીતા વૈજ્ઞાનિક શિમૉન વોલ્ફશોનના સંધોશનનો સંક્ષિપ્તમાં વખવાનો પ્રયાસ કર્યો છે.

તસ્વીર સૌજન્યઃ  શિમાન વોલ્ફશોનના રિસર્ચ પેપરમાંથી

Wednesday, 21 March 2018

એક એવુ ગામ કે જ્યાં કૂતરુ જન્મે એટલે કરોડપતિ થઇ જાય છે !



હું અને કેમેરામેન કલ્પેશ મોદી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા માટે શુટિંગ કરીને ચાણસ્મા તરફથી પરત આવી રહ્યા હતાં. મહેસાણા નજીક આવતા જ મેં પત્રકાર મિત્ર સંકેત સિદાનાને ફોન કર્યો..કે ભાઇ તારા ગામ પાસે આવું છું. ચ્હા પીએ.
સંકેતે તરત કીધું કે હું પાંચોટથી થોડે આગળ છું તમે મહેસાણાં ક્યાં મળશો...મેં કહ્યું કે ભાઇ હું દસેક મિનિટમાં પાંચોટ પહોંચીશ...સંકેતે કહ્યું કે, ‘હું પહોંચું છું, તમે જગીભાઇ સાથે બેસો..હું ત્યાં આવું છું. જગીભાઇ એટલે અમારા કોમન ફ્રેન્ડ, આમ તો એનું નામ પરેશભાઇ છે. પણ અમે એને જગીભાઇ કહીએ છીએ. અમે  કાર પાંચોટની બહાર ચ્હાની લારી પર ઊભી રાખી. પાણીની બોટલ લેતા મેં જગીભાઇને ફોન લગાવ્યો. ત્યાં ચ્હાની દુકાન પાસે બેઠેલા ભાઇએ કહ્યું કે, જગીને મળવા આયા સો? ચ્યોંથી આવો સો?  મેં કહ્યું અમદાવાદથી આવું છું. એણે ખૂરશી મગાવી, હું કલ્પેશ મોદી ત્યાં બેસીને ચ્હા પીતા હતાં. ત્યાં એ ભાઇએ અમારા નામ પૂછ્યાં...એટલી વારમાં એક કૂતરૂં અમારી ખૂરશી પાસે આવ્યું અને મોદીએ કૂતરાને હઇડ કરીને લાત મારવાનો પ્રયાસ કરી કૂતરાને દૂર ભગાડ્યું.
એટલે તરત જ સામે બેઠેલા ભાઇએ કહ્યું કે, “મોદી તમે કૂતરાને હઇડ નથી કર્યું પણ એક કરોડપતિને હઇડ કર્યું છે. મને એમ કે તે આ ભાઇનો પાળેલો કૂતરો હશે. એટલે મેં કહ્યું કે,’ સોરી એમને ઇરાદો ન હતો, મને કૂતરાથી એલર્જી છે એટલે હઇડ કર્યું.’’ તરત એમણે કહ્યું કે ‘’ભઇ આ ગોમમાં માણસ કરોડપતિ નથી પણ એકે એક કૂતરું કરોડપતિ છે.

હું મુંજાયો કે આ ભાઇ બપોરે ભાંગ તો પી ને નથી બેઠા ને..એટલી વારમાં જગીભાઇ અને અમારા બીજા મિત્ર મહેશભાઇ પટેલ આવ્યા. એમણે ફરી ચ્હા મગાવી. અમારી ઓળખાણ કરાવી કે, આ અશોકભાઇ છે અને અમારા ગામનું અન્નક્ષેત્ર ચલાવે  છે.મે માત્ર હકારમાં જવાબ આપ્યો, કારણ કે જે માણસ કૂતરો કરોડપતિ કહેતો હોય એની સાથે પળોજણ કરવાનો મારો મૂ઼ડ ન હતો. એટલીવારમાં બીજા બે કૂતરાં આવ્યા. અશોકભાઇએ પારલે-જીના બે પડીકાં લીધા અને કૂતરાંને ખવડાવવા લાગ્યાં. મેં મજાકમાં કહ્યું કે મોદી જો કરોડપતિઓ પારલે-જી ખાય છે.
 જગીભાઇ અને મહેશભાઇએ હસી પડતાં કહ્યું કે, “સાવ સાચું છે. અમારાં ગામના માણસ ભલે કરોડપતિ ન હોય પણ ગામમાં એકેએક કૂતરૂં કરોડપતિ છે. મેં કહ્યું કે એવું કેવું....હું બઘવાયો કે આવું કેવું...જગીભાઇ મારી આંખોમાં છલકાતાં ઢગલાબંધ આશ્ચર્ય ચિન્હો જોઇ રહ્યાં હતાં. એમણે કહ્યું કે ભાર્ગવભાઇ ગામમાં એકે એક કૂતરૂં કૂતરિયાને કારણે કરોડપતિ થઇ ગયાં છે.


આખી ય વાત રસપ્રદ હતી. કારણ કે ઉત્તર ગુજરાતમાં પટેલોમાં એવો વણ લખ્યો નિયમ છે કે, પોતાના ખેતરના અમુક હિસ્સામાં પાકેલું અનાજ ગાય, કૂતરાં અને પક્ષીઓના ચણ માટે અલગ રખાય છે. બાપ દાદાના વખતમાં ગામમાં જમીનનો અમુક હિસ્સો ગામના કૂતરાના અનાજ માટે રાખવામાં આવતો હતો. એટલે એને કૂતરિયું કહેવાય છે.
મેં કહ્યું કે એટલો બધો પાક થાય છે કે કરોડોમાં બની જાય?...તરત અશોકભાઇ બોલ્યાં ના ભાઇ નાં...ગામના અમારા બાપ દાદાએ કૂતરાં માટે જે જમીન ફાળવી છે એને અમે યથાવત રાખી છે. અને આ જમીનમા્ં ભાઇઓના ભાગ પડે તો પણ જમીનમાં પાકતો ભાગ કૂતરાં માટે અલગ કાઢવામાં આવે છે. જેને અમે કૂતરિયું કહીએ છીએ. એના માટે અલગ ટ્રસ્ટ બનાવાયું છે. ગામ પાસેથી બાયપાસ હાઇ વે થતાં જમીનોના ભાવ વધ્યાં છે એટલે આ બધા કૂતરાં કરોડપતિ થઇ ગયાં છે.
વાતને આગળ વધારતા જગીભાઇ કહે છે કે, “કૂતરાના ભાગમાં મુકાયેલી જમીનનો સરવાળો કરીને બજાર કિંમત મૂકીએ ને તો પણ એ જમીનની કિંમત ઓછામાં ઓછી 100 કરોડ રૂપિયા થતી હશે. અને ગામમાં 20 કૂતરાં જ છે. હવે કહો કે આ કૂતરાં કરોડપતિ થયાં કે નહીં. અમારા ગામમાં કૂતરું જન્મે એટલે કરોડપતિ થઇ જાય છે.
પાંચોટ ગામમાં કૂતરાંની દેખભાળ પણ એવી જ રીતે થાય છે. કૂતરાં માટે રોટલાં બનાવાય છે...તેને રામજીમંદીર પાસે લાવીને એનો ભૂકો કરી દૂધમાં ખવડાવાય છે. આ આખું ય કામ ગામના પૈસાદાર અને ગરીબ લોકો સંભાળે છે. પાંચોટમાં કૂતરાઓની સંભાળ લેનાર મહેશભાઇ કહે છે કે, “સવારેઅને સાંજે અમારા ગામના લોકો કૂતરાં માટે રોટલાં બનાવે, અને અમે કૂતરાંને ખવડાવીએ. વાર તહેવારે કૂતરાંને લાડું અને શીરો જમાડીએ છીએ. પરંતુ કૂતરાં માટે બનેલા આ ટ્રસ્ટમાંથી એક રૂપિયો બીજા કામ માટે વપરાતો નથી.
પટેલોનું પ્રભુત્વ ધરાવતા પાંચોટ ગામમાં પટેલો માત્ર કૂતરાં નહીં, પક્ષી અને ગાયને પણ મદદ કરે છે. એટલું જ નહીં આસપાસના ગરીબો માટે અન્નક્ષેત્ર ચલાવે છે અને નિરાધાર અશક્ત વૃદ્ધોના ઘરે જઇને ટિફીન આપે છે. પરંતુ કોઇના ચહેરા પર ઉપકારની ભાવના હોતી નથી. આ જોતાં એક વાત તો સ્પષ્ટ છે કે, પાંચોટના પટેલોએ જનસેવા એ જ પ્રભુસેવા મંત્ર બરાબર અપનાવ્યો છે. !
તસ્વીરોઃ કલ્પેશ મોદી