Saturday, 3 March 2018

ધૂળેટી પહેલા વીસનગરમાં યોજાય છે.... રાત્રે રંગ વિનાની રંગીન હોળી!


ધૂળેટીના દિવસે વહેલી સવારે ખાસડાં યુધ્ધ થાય એટલે આગલી સાંજે હું વીસનગર પહોંચી ગયો હતો. આદર્શ સ્કૂલથી દીપડાં દરવાજા પાસે કાર ઊભી રાખીને બદલાયેલા વીસનગરને ઘડી ભર જોતો રહ્યો. ઘણું બધું એમ જ હતું, સાંજ ઢળતી જતી હતી અને મહીલાઓ હાથમાં પાણી ભરેલા વાસણ લઇને હોળીના દર્શન કરવા જઇ રહ્યાં હતાં.  
મારે ખાસડાં યુદ્ધના ઓર્ગેનાઇઝર્સને મળવું હતું એટલે પત્રકાર તૌફિક મનસૂરીની રાહ જોતો હતો. ત્યાં અચાનક તૌફિકે આવીને કહ્યું કે, ચલો સાહેબ આપણે જઇએ. બધુ ગોઠવાઇ ગયું છે. હું વીસનગરનો, પણ મારા કરતાં વધુ લોકો તૌફિકને ઓળખે એટલે ત્રણ ચાર જણા આવ્યા અને કહ્યું કે, મહેમાન આવ્યા છે....હાલો ચા પાણી કરીએ. હું કશું કહું એ પહેલા ચાનો ઓર્ડર અપાઇ ગયો અને ભાઇઓ સાથે ઓળખાણ પણ થઇ ગઇ. ભરતભાઇએ કહ્યું કે મારું હાળું એસટી મોડી છે ને એટલે ભવાઇવાળા હજુ આયા નથી. ક્યારે આવશે?   ને કેમનું કરીશું 
મારા કાન સરવા થઇ ગયાં. આંખમાં ચમક આવી ગઇ. મે તરત પૂછ્યું કે, હજુ ભવાઇ રમાય છે?   તરત જ ભરતભાઇ પટેલે કહ્યું કે, હા બાપ દાદાનો નિયમ છે. ભવાઇ ના રમાડીએ તો માતાના આશીર્વાદ ન મળે!. એટલી વારમાં તો એસ.ટી આવી ગઇ. ખેલૈયાઓ ભવાઇના સામાન સાથે ઉતર્યા. મે તૌફિક સામે જોયું! એ મારો ઇશારો સમજી ગયો. એ મને કહે કે મોબાઇલમાં ફોટા પાડીશું. ફોટોગ્રાફર સવારે બોલાવી લઇશું. ચિંતા ના કરો.!
હું ભવાઇના કલાકારો અને ભરત પટેલની પાછળ પાછળ ચાલવા માંડ્યો. ઉતાવળમાં પેન અને ડાયરી રહી ગઇ. પણ લેપ ટોપ જોડે હતું. અમે દીપડા દરવાજા પહોંચ્યાં. વાડીમાં ઉતારો હતો. ભવાઇના કલાકારોએ પહેલા પૂજા કરી અને ઉતારે બેઠા. એટલે મેં વાતનો તંતુ બાંધ્યો. ભવઇ કલાકારના મુખિયા બળદેવભાઇ નાયક સાથે વાતચીતની શરૂઆત કરી. બળદેવ નાયક બીજું કોઇ કામ કરતાં નથી, એ અને એમના 12 કલાકારોની મંડળી બસ આખું ય વર્ષ ભવાઇના ખેલ કરે છે.
એમને વારસામાં 50 ગામ મળ્યાં છે. આ 50 ગામમાં દર વર્ષે ભવાઇ કરવા જાય છે.
બળદેવ નાયક કહે છે કે ``અમે ક્યારેય ભવાઇનું નૃત્ય શીખવા જતાં નથી. પારંપરિક રીતે અમને અમારા બાપ દાદાએ શીખવેલું છે એને અમે ભજવીએ છીએ. અમને નાનપણથી અમારા બાપદાદાએ 
આપેલી ભૂંગળ
, તબલાં, હારમોનિયમ અને ઝાઝ-મોટા મંઝીરા સાથે ગાઇ વગાડીને નૃત્ય સાથે નાટક ભજવીએ છીએ. જેને ભવાઇ કહેવાય છે. અમારા ભાગે આવેલા 50 ગામોમાં વીસનગર પણ એક છે. એટલે ધૂળેટીના આગલા દિવસે અમે અહીં આવીને ભવાઇનો વેશ ભજવીએ છીએ. જેના બદલામાં અમારા બાપ દાદાઓને પટેલો અનાજ આપતા હવે અમને પૈસા આપે છે. મેં સ્વભાવિક જ પૂછ્યું કે કેટલા? એટલે બળદેવ નાયક નીચું જોઇ ગયા અને વાત ગળીને એટલું જ બોલ્યાં કે ઘર ચાલે એટલા.!
``
ત્યાં ગામના વડિલ મણિભાઇ પટેલ અને ડાહ્યાભાઇ પટેલ આવ્યા. એમણે સત્તવાહી અવાજમાં કીધું કે``હેંડો વાળું ટાઢું (સાંજનું જમવાનું) થઇ જ્યુ સે, જમી લો. એટલે સાડા નવના ડંકે શરૂ કરીએ. અમારી સામે જોઇને કહે કે, તમે ય હાથે સો?  હેંડો તાણ જમવા’’...હું મુંજાયો...શું જવાબ આપવો?   ત્યાં ગામના બીજા લોકો આવ્યા અને એમણે મને ઓળખી કાઢ્યો. અને વાતની શરૂઆત થઇ. મારી સામે આ ટોળીએ ભોજન લીધું અને ભૂંગળ, હાર્મોનિયમ અને તબલાં સાથે થોડો રિયાઝ શરૂ કર્યો...ભૂંગળના અવાજે મને બાળપણના દિવસો યાદ કરાવ્યા... ચોકમાં બેસીને ભવાઇ જોતા હતાં.
તૌફિક મારો ઇશારો સમજી ગયો...એણે મોબાઇલથી ફોટા લેવાના શરૂ કર્યાં. કલાકારો તૈયાર થવા લાગ્યા એટલે ભવાઇના ઓર્ગેનાઇઝર અને વીસનગરના શિક્ષક કમલેશભાઇન પૂછ્યું કે, આ કલાકારો દર વર્ષે આવે છે ?  કારણ કે મારા માટે આ નવી વાત હતી. સિધ્ધપુરથી શરૂ થયેલી અને ઉંઝામાં કાયમ થતી ભવાઇ વીસનગર કેવી રીતે પહોંચી એ સમજવાનો પ્રયાસ કર્યો. શિક્ષક કમલેશભાઇ કહે છે કે``ઝાઝો ઇતહાસ તો ખબર  નથી પણ પટેલોની દીકરીને સિધ્ધપુરના બ્રાહ્મણ અસાઇત ઠાકરે બચાવી પછી ભવાઇની શરૂઆત થઇ છે. ખેતીની સીઝન પહેલા હોળી હોય અને શિયાળું પાક તૈયાર થાય ત્યારે ભવાઇ માટે અચુક બોલાવાય છે. ભવાઇના કલાકારો ભવાઇના વેશ ભજવે તે અમે માણીએ છીએ.’’

થોડીવારમાં અમે ભવાઇ જોવા નીચે ઉતર્યા. ભવાઇની શરૂઆતમાં ભગવાન ગણેશનું ભૂંગળની સિગ્નેચર ટ્યૂન પર આગમન થયું. કંકુના છાંટણા થયા પછી રંગલો અને રંગલી ભવાઇની સિગ્નેચલ ટ્યૂન તા થૈયા થૈયા તા થઇ પર એન્ટ્રી કરી સાંપ્રત સમસ્યાને વણી લઇ એક પછી એક વેશ ભજવવાના શરૂ કર્યાં. ઘડિયાળનો કાંટો ફરતો જતો હતો અને ભવાઇમાં જીએસટી, નોટબંધી, પ્રેમ પ્રસંગો વગેરે આવતું ગયું....મહીયરના કેરેક્ટરમાં સ્ત્રી વેશમાં આવેલા પૂરૂષે અલગ અલગ છટાંમાં ગીત ગાઇ પહેલાના જમાનામાં ટેક્સ કેવી રીતે લેવાતો હતો એની વાત કરી.
પણ મારા આશ્ચર્ય વચ્ચે એક વાત એ હતી કે, ભવાઇને પહેલીવાર ઘ્યાનથી જોઇ ત્યારે ખબર પડી કે, તેમાં સંગીત, નૃત્ય અને નાટકનું ગજબનું મીશ્રણ હતું. કથ્થકની હળવી છાંટ હતી પણ ક્યાંય ક્લાસિકલ ડાન્સનો દેખિતો ટચ ન હતો. કોઇ નૃત્યકાર કે સંગીતકાર પાસે નહીં શીખેલા આ કલાકારોએ રાત્રે બે વાગ્યા સુધી ભજવેલા વેશમાં સંગીતના એક બે નહીં પણ દસ રાગોનું મિશ્રણ જોવા મળ્યું. મોંઘવારી, ચોરી, લૂંટ, પતિ પત્નીના ઝઘડાં, સાસુ વહુની સમસ્યા અને પ્રેમી અને પ્રેમિકાની વાતને રમૂજી રીતે મૂકવાની અદભૂત કળાએ મને ઉજાગરો કરવા મજબુર કર્યો,
હું ભવાઇ જોતો હતો ત્યારે મને પ્રોફેસર મંગળભાઇ પટેલ યાદ આવી ગયાં. આમ હું એમને મંગુકાકા કહેતો હતો. મારા પરમ મિત્ર દૂરદર્શનવાળા મિલન પટેલના પિતાએ મને 1996માં સેન્ટ ઝેવિયર્સવાળા ઘરે એકવાર પટેલોના ઇતિહાસ વિેશે વાત કરતાં કહેલું કે``ભાર્ગવ ભવાઇનો ઉત્તર ગુજરાતના વિકાસ અને સમૃધ્ધિમાં મોટો ફાળો છે, અહીં આઝાદીની લડાઇ વખતે ભવાઇનો ઉપયોગ થતો અને 1974ના નવ નિર્માણ આંદોલનમાં પણ એનો ઉપયોગ થયો હતો. આઝાદી પહેલા કુરિવાજો દૂર કરવા માટે જાગૃતિ ફેલાવવા ભવાઇ એક માધ્યમ હતું.’’
મંગુકાકાએ એ જમાનામાં કહેલી વાતો ક્યાંક લખેલી હતી અને કેટલોક રેફરન્સ એમના પાટીદારના પુસ્તકમાંથી મળ્યો. ભવાઇ શું છે?  અને ભવાઇની કેવી રીતે ક્રાન્તિ આવી અને ભવાઇથી કેવી રીતે કુરિવાજો દૂર થયા?   આઝાદીની લડાઇથી લઇને મહાગુજરાતની ચળવળ અને નવનિર્માણમાં એના ઉપયોગ વિશે વાંચો આવતી કાલે.......
તસ્વીરોઃ તૌફિક મનસુરી


8 comments:

  1. ભવાઇ વિશે નવું જાણવા મળ્યું . ગુડ કવરેજ

    ReplyDelete
  2. Adbhut navai no bhavai vishe javani intejari vadhi

    ReplyDelete
  3. Very very interesting information.In past we have fully enjoyed "Original Bhavai " during school life at our village performed by Naik community only and today ? It is being played daily all over India with New episode.

    ReplyDelete
  4. બચપણ ની યાદ આવી ગઈ ભાર્ગવભાઇ, જયારે અમે બનાસકાંઠા ના એક છેવાડાના ગામમાં રહેતા અને ત્યાં ભવાઈનો આનંદ માણેલો . ક્યારેક યાદ આવે પણ હવે શહેરની આ વ્યસ્તતા વચ્ચે બધું ભુલાતું જાય છે . એ સમયે સરકાર દ્વારા વસ્તી નિયંત્રણ કરવા માટે નસબંધી ઓપેરશન માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ આ એક સારું માધ્યમ હતું.

    ReplyDelete
  5. સર આપ ની કલમ એટલી રંગ લાવે છે કે વાંચવા નું મન ચોક્કસ થાય આજે પણ હમેં આવી વાક્ય રચનાં સ્ટોરી માં લાવી શકતા નથી ...સલામ આવા રંગ સ્ટોરી માં પુરવા ...

    ReplyDelete