Wednesday, 21 March 2018

એક એવુ ગામ કે જ્યાં કૂતરુ જન્મે એટલે કરોડપતિ થઇ જાય છે !



હું અને કેમેરામેન કલ્પેશ મોદી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા માટે શુટિંગ કરીને ચાણસ્મા તરફથી પરત આવી રહ્યા હતાં. મહેસાણા નજીક આવતા જ મેં પત્રકાર મિત્ર સંકેત સિદાનાને ફોન કર્યો..કે ભાઇ તારા ગામ પાસે આવું છું. ચ્હા પીએ.
સંકેતે તરત કીધું કે હું પાંચોટથી થોડે આગળ છું તમે મહેસાણાં ક્યાં મળશો...મેં કહ્યું કે ભાઇ હું દસેક મિનિટમાં પાંચોટ પહોંચીશ...સંકેતે કહ્યું કે, ‘હું પહોંચું છું, તમે જગીભાઇ સાથે બેસો..હું ત્યાં આવું છું. જગીભાઇ એટલે અમારા કોમન ફ્રેન્ડ, આમ તો એનું નામ પરેશભાઇ છે. પણ અમે એને જગીભાઇ કહીએ છીએ. અમે  કાર પાંચોટની બહાર ચ્હાની લારી પર ઊભી રાખી. પાણીની બોટલ લેતા મેં જગીભાઇને ફોન લગાવ્યો. ત્યાં ચ્હાની દુકાન પાસે બેઠેલા ભાઇએ કહ્યું કે, જગીને મળવા આયા સો? ચ્યોંથી આવો સો?  મેં કહ્યું અમદાવાદથી આવું છું. એણે ખૂરશી મગાવી, હું કલ્પેશ મોદી ત્યાં બેસીને ચ્હા પીતા હતાં. ત્યાં એ ભાઇએ અમારા નામ પૂછ્યાં...એટલી વારમાં એક કૂતરૂં અમારી ખૂરશી પાસે આવ્યું અને મોદીએ કૂતરાને હઇડ કરીને લાત મારવાનો પ્રયાસ કરી કૂતરાને દૂર ભગાડ્યું.
એટલે તરત જ સામે બેઠેલા ભાઇએ કહ્યું કે, “મોદી તમે કૂતરાને હઇડ નથી કર્યું પણ એક કરોડપતિને હઇડ કર્યું છે. મને એમ કે તે આ ભાઇનો પાળેલો કૂતરો હશે. એટલે મેં કહ્યું કે,’ સોરી એમને ઇરાદો ન હતો, મને કૂતરાથી એલર્જી છે એટલે હઇડ કર્યું.’’ તરત એમણે કહ્યું કે ‘’ભઇ આ ગોમમાં માણસ કરોડપતિ નથી પણ એકે એક કૂતરું કરોડપતિ છે.

હું મુંજાયો કે આ ભાઇ બપોરે ભાંગ તો પી ને નથી બેઠા ને..એટલી વારમાં જગીભાઇ અને અમારા બીજા મિત્ર મહેશભાઇ પટેલ આવ્યા. એમણે ફરી ચ્હા મગાવી. અમારી ઓળખાણ કરાવી કે, આ અશોકભાઇ છે અને અમારા ગામનું અન્નક્ષેત્ર ચલાવે  છે.મે માત્ર હકારમાં જવાબ આપ્યો, કારણ કે જે માણસ કૂતરો કરોડપતિ કહેતો હોય એની સાથે પળોજણ કરવાનો મારો મૂ઼ડ ન હતો. એટલીવારમાં બીજા બે કૂતરાં આવ્યા. અશોકભાઇએ પારલે-જીના બે પડીકાં લીધા અને કૂતરાંને ખવડાવવા લાગ્યાં. મેં મજાકમાં કહ્યું કે મોદી જો કરોડપતિઓ પારલે-જી ખાય છે.
 જગીભાઇ અને મહેશભાઇએ હસી પડતાં કહ્યું કે, “સાવ સાચું છે. અમારાં ગામના માણસ ભલે કરોડપતિ ન હોય પણ ગામમાં એકેએક કૂતરૂં કરોડપતિ છે. મેં કહ્યું કે એવું કેવું....હું બઘવાયો કે આવું કેવું...જગીભાઇ મારી આંખોમાં છલકાતાં ઢગલાબંધ આશ્ચર્ય ચિન્હો જોઇ રહ્યાં હતાં. એમણે કહ્યું કે ભાર્ગવભાઇ ગામમાં એકે એક કૂતરૂં કૂતરિયાને કારણે કરોડપતિ થઇ ગયાં છે.


આખી ય વાત રસપ્રદ હતી. કારણ કે ઉત્તર ગુજરાતમાં પટેલોમાં એવો વણ લખ્યો નિયમ છે કે, પોતાના ખેતરના અમુક હિસ્સામાં પાકેલું અનાજ ગાય, કૂતરાં અને પક્ષીઓના ચણ માટે અલગ રખાય છે. બાપ દાદાના વખતમાં ગામમાં જમીનનો અમુક હિસ્સો ગામના કૂતરાના અનાજ માટે રાખવામાં આવતો હતો. એટલે એને કૂતરિયું કહેવાય છે.
મેં કહ્યું કે એટલો બધો પાક થાય છે કે કરોડોમાં બની જાય?...તરત અશોકભાઇ બોલ્યાં ના ભાઇ નાં...ગામના અમારા બાપ દાદાએ કૂતરાં માટે જે જમીન ફાળવી છે એને અમે યથાવત રાખી છે. અને આ જમીનમા્ં ભાઇઓના ભાગ પડે તો પણ જમીનમાં પાકતો ભાગ કૂતરાં માટે અલગ કાઢવામાં આવે છે. જેને અમે કૂતરિયું કહીએ છીએ. એના માટે અલગ ટ્રસ્ટ બનાવાયું છે. ગામ પાસેથી બાયપાસ હાઇ વે થતાં જમીનોના ભાવ વધ્યાં છે એટલે આ બધા કૂતરાં કરોડપતિ થઇ ગયાં છે.
વાતને આગળ વધારતા જગીભાઇ કહે છે કે, “કૂતરાના ભાગમાં મુકાયેલી જમીનનો સરવાળો કરીને બજાર કિંમત મૂકીએ ને તો પણ એ જમીનની કિંમત ઓછામાં ઓછી 100 કરોડ રૂપિયા થતી હશે. અને ગામમાં 20 કૂતરાં જ છે. હવે કહો કે આ કૂતરાં કરોડપતિ થયાં કે નહીં. અમારા ગામમાં કૂતરું જન્મે એટલે કરોડપતિ થઇ જાય છે.
પાંચોટ ગામમાં કૂતરાંની દેખભાળ પણ એવી જ રીતે થાય છે. કૂતરાં માટે રોટલાં બનાવાય છે...તેને રામજીમંદીર પાસે લાવીને એનો ભૂકો કરી દૂધમાં ખવડાવાય છે. આ આખું ય કામ ગામના પૈસાદાર અને ગરીબ લોકો સંભાળે છે. પાંચોટમાં કૂતરાઓની સંભાળ લેનાર મહેશભાઇ કહે છે કે, “સવારેઅને સાંજે અમારા ગામના લોકો કૂતરાં માટે રોટલાં બનાવે, અને અમે કૂતરાંને ખવડાવીએ. વાર તહેવારે કૂતરાંને લાડું અને શીરો જમાડીએ છીએ. પરંતુ કૂતરાં માટે બનેલા આ ટ્રસ્ટમાંથી એક રૂપિયો બીજા કામ માટે વપરાતો નથી.
પટેલોનું પ્રભુત્વ ધરાવતા પાંચોટ ગામમાં પટેલો માત્ર કૂતરાં નહીં, પક્ષી અને ગાયને પણ મદદ કરે છે. એટલું જ નહીં આસપાસના ગરીબો માટે અન્નક્ષેત્ર ચલાવે છે અને નિરાધાર અશક્ત વૃદ્ધોના ઘરે જઇને ટિફીન આપે છે. પરંતુ કોઇના ચહેરા પર ઉપકારની ભાવના હોતી નથી. આ જોતાં એક વાત તો સ્પષ્ટ છે કે, પાંચોટના પટેલોએ જનસેવા એ જ પ્રભુસેવા મંત્ર બરાબર અપનાવ્યો છે. !
તસ્વીરોઃ કલ્પેશ મોદી

22 comments:

  1. સર..જોરદાર સ્ટોરી..હકીકત સભર..જાણવા જેવું

    ReplyDelete
  2. Sirji aap hamesa kuch alag hi late hey aur wo sabse hatke hota heyh

    Jay Hind 🇮🇳

    ReplyDelete
  3. સર આજે મને એમ થયું કે હું ચુકી ગયો છું ...

    ReplyDelete
  4. વાહ ભાર્ગવભાઇ વાંચકો ની નસ પારખવાવાળા તમે ‘સમાચાર/વાર્તા’વૈદ્ય છો હોં કે

    ReplyDelete
  5. Bhai vaah . ..bava banvu to swaminaray na Ane kutra banvu to Panchot Gam na.. Very interesting..

    ReplyDelete
  6. ખુબ સરસ. શહેર માં ગલીના કુતરાઓના કારણે મ્યુનિસિપાલિટીની ગાડી બોલાવી તેમને પકડવાની રીતસરની ગોઠવણ કરાય છે જયારે આવા ગામડા ઓ ખરા અર્થમાં સેવા કાર્યમાં જોડાયેલા છે તે જાણી આનંદ થયો સાથે વડવાઓ દ્વારા જમીન આરક્ષિત રખાયેલ પ્રથા ને અનુસરી હજુ સુધી ગામની જમીન આરક્ષિત રાખી તે સમાજ માટે ઉદાહરણરૂપ છે અને સમાજમાં ચાલતી વર્ણ વ્યવસ્થા માટે ફેર વિચારણા માંગી લે તેવી વાત . સમાજ માટે સંદેશ રૂપી વાત .

    ભાર્ગવભાઈને ખોબલો ભરી અભિનંદન .

    ReplyDelete
  7. પત્રકારત્વમાં શીખવાય છે કે માણસ કૂતરાને કરડે એ સમાચાર કહેવાય પણ હવે શીખવાડવામાં આવશે કે માણસ નહીં કૂતરો કરોડપતિ હોય એ સમાચાર કહેવાય. Keep it up Bhargav

    ReplyDelete
  8. જે કુતરા આ જન્મ માં સારા કામ કરે તેવા કુતરા ને બીજા જન્મ માં પાંચોટ માં જન્મ મળે.
    -

    ReplyDelete
  9. જે કુતરા આ જન્મ માં સારા કામ કરે તેવા કુતરા ને બીજા જન્મ માં પાંચોટ માં જન્મ મળે.
    -

    ReplyDelete
    Replies
    1. ભાર્ગવ ભાઈ, ઉત્તમ લખે છે, પરંતુ નિયમિત રીતે નહીં લખીને પોતાના વાચકોને તડપાવતા રહે છે તેનો ઉકેલ લાવવાનું કામ ઇલાબેનને સોંપી શકાય?

      Delete
  10. સાહેબ... આ એજ પંચોટ ગામ છે ને જ્યાં લોટો અને દાતણ ન્યાય કરે છે...? હવે મને એવું લાગે છે કે તમને પત્રકાર ભાર્ગવ પરીખ તરીકે નહિ પણ ડૉ. ભાર્ગવ પરીખ ના ઉપનામથી સંબોધવા જોઈએ... કારણકે કોઈપણ જગ્યા હોય, કોઈપણ સેક્ટર હોય, કોઈપણ વિષય હોય અને કોઈપણ સ્ટોરી હોય આ બધાની નાડ પારખવામાં તમે ખૂબ ચિવટભર્યું આકલન કરો છો....

    ReplyDelete
  11. વાહ...આ અમારા જુનાગઢના નવાબના કુતરા પણ કરોડપતિ નહોતા ....સરસ લેખ......અભિનંદન

    ReplyDelete
  12. Street dogs are big problem in every city why you are encourage such people who are taking care of Street dogs

    ReplyDelete
  13. લાલુ ચારો ખાઈ ગયો
    અત્યાર સુધી ની સરકારો ગોચર જમીન ખાઈ ગઈ
    અને અહીં જોવો

    ReplyDelete
  14. Ekdam jordaar article.....Never knew this thing....Thanks Bhargav bhai.

    ReplyDelete
  15. ભાર્ગવ ભાઇ, આવા સમાચાર મરાઠીમાં ન આપતા... અમારા મુંબઇના BMC વાળા ની કૂતરા ગાડીઓ પામચોટની સીમમાં ખાલી થવા માંડશે.... પાછા દરેક કૂતરા પર માલિકના નામ લખેલા હશે. માલિક બીજુ કોઇ નહી અમારા નેતાઓ અને BMC ના અધિકારીઓ.... પછી પાંચ વર્ષ પછી પાંચોટનાં કૂતરીયા પર બનવા માંડે .બિલ્ડીંગો...

    BY the way good information on charitable activity...
    Kalpesh

    ReplyDelete
  16. https://www.facebook.com/Panchotvillage190/

    ReplyDelete
  17. અમને ગર્વ છે કે અમે આ પાંચોટ ગામ ના રહેવાસી છીએ

    ReplyDelete