Friday, 23 March 2018

વાલિયો લૂંટારો ભિખારી બન્યો, તો બેસ્ટ ભિખારીનો એવોર્ડ જીત્યો!


       

     
પાંચોટમાં કરોડપતિ કૂતરાઓને મળીને અમે પાછાં આવી રહ્યા હતાં, ત્યાં કેમેરામેન કલ્પેશ મોદીએ કહ્યું કે, સાહેબ મહેસાણા આવ્યા છીએ તો ભાખરી અને શાક જમીએ. મેં કહ્યું ઠીક છે., મારે તો તબિયતના હિસાબે બહાનું તીખું અને તેલવાળું ખાવાનું ન હતું. એટલે મેં કલ્પેશ મોદીને કહ્યું કે, ભાઇ તું અને ડ્રાઇવર જમી લો. હું આંટો મારીને આવું છું.
મહેસાણામાં મેં બહુ વખત પહેલા મે જામફળ અને પાનનો લોકલ મેડ આઇસ્ક્રીમ ખાધો હતો. એ જગ્યા જાણીતી ભાખરી શાકની હોટલથી ચાલતા જવાય એટલી નજીક હતી. મેં લાંબા સમય પછી પાન અને જામફળના આઇસક્રીમ ખાધા અને પાછો જતો હતો ત્યાં પત્રકાર મિત્ર સંકેત સિદાના એનું બાઇક લઇને પાંચોટથી પરત આવતો મળ્યો હતો. અમે ભાખરી શાકની હોટલ બહાર વાતો કરતાં ઊભા હતા, ત્યાં મોદીએ બહાર આવીને કહ્યું કે, ‘હું જમ્યો ત્યાં સુધીમાં ગોદડિયા બાપુને મળી આવ્યા કે શું?
 મને યાદ આવ્યું કે, આ વખતે મહેસાણા આવ્યો અને ગોદડિયા બાપુને 500 રૂપિયા નથી આપ્યા. મેં સંકેતને કહ્યું કે, ‘યાર, આ ક્યાં મળશે?’ સંકેતે કહ્યું કે, ‘મદીર પાસે ઝાડ નીચે હશે. સાંજે જૈન મંદીર આવશે. મળવું હોય તો શોધીએ.’ હું અને સંકેત મોટરસાયકલ પર ગોદડિયા બાપુને શોધવા નીકળી પડ્યાં. મોદી મને છોડે એમ ન હતો. એણે કાર અમારી પાછળ પાછળ લીધી. એક મંદીર પાસે પહોંચ્યા એટલે ગોદડિયા બાપુ ઓળખી ગયા. કાઠિયાવાડી લ્હેકામાં અમને કીધું કે, ‘ઓહો આજે વગર કેમેરાએ વહાલા... ?’ હું થોડું મરક્યો, મેં કહ્યું કે ‘હું તમારો ટેક્સ આપવા આવ્યો છું એમ કરી મેં 500ની નોટ આપી .’ એણે ગોદડી જેવા પોતાના ખિસ્સામાં હાથ નાંખી 500ની નોટવાળા બંડલ પર મૂકી ફરી ગોદડીના ગજવામાં બંડલ નાંખ્યું.
સંકેતે મજાકમાં કીધું, ‘બાપુ ટોપીમાં કેમ નહીં, તરત એણે કહ્યું કે, એ બે હજારની નોટોનું છે. એમ કહી ટોપીમાંથી બે હજારની નોટોનો થોકડો કાઢ્યો. હું હસ્યો એટલે એણે મને કહ્યું કે, ‘100 જુદા, 50 જુદા, 10 જુદા...’જુઓ કહી બંડલો બતાવવા માંડ્યા. એટલામાં મોદી અમારો પીછો કરતો કરતો આવી પહોંચ્યો, મોદી કેમેરો કાઢીને ફોટા પાડવા જતો હતો ત્યાં ગોદડિયા બાપુએ આંખના પલકારામાં પૈસા જ્યાં હતાં ત્યાં ગોદડી છાપ જેકેટ અને ટોપીમાં પાછા ખોસી દીધા. મેં કહ્યું કે એ મારી સાથે છે. પછી એમને રાહત થઇ.
મેં પૂછ્યું કે ‘કેટલા પૈસા ભેગા થયા?’ તો કહે કે, ‘તમારા પાંચસો સાથે એક લાખ 96 હજાર 570 થયા. બસ બે લાખ થાય એટલે આ વખતે ચોપડાંને બદલે છોકરીઓને સોનાનું દાન કરવું છે. કારણ કે એક લાખ તો ભીખ માગવાના એવોર્ડના મળ્યાં છે, અને મારા હાળાઓએ લાખ રૂપિયા આપ્યા પણ એવોર્ડ વેચવા ગયો...તો એના બે હજાર રૂપિયા જ આયા’ બોલો કેવા છે, હું હસી પડ્યો કે, ‘લોકો એવોર્ડ મેળવવા લોહી પાણી એક કરે છે અને આ ગોદડિયા બાપુને એવોર્ડની કિંમત નથી.’

આ ગોદડિયા બાપુ કોઇ સંત મહાત્મા નથી. પણ મહેસાણાની ગલીઓમાં ભીખ માગવા માટે એવોર્ડ જીતનાર ભિખારી છે. આ ભિખારી ભીખ માગીને જે પૈસા મળે તે ગરીબ છોકરીઓના ભણતર માટે વાપરે છે. આથી લોકો એને સામેથી શોધીને ભીખ આપવા આવે છે.
આમ તો ગોદડિયા બાપુ ખુલીને કોઇની સાથે વાત કરતાં નથી. પરંતુ ઝી ન્યૂઝમાં મે એમની સ્ટોરી કરી હતી, અને સંકેતે જીએસટીવીમાં સ્ટોરી કરી હતી. પછી એને એવોર્ડ મળ્યો હતો. હું જ્યારે મહેસાણા જાઉ ત્યારે એમને 500 રૂપિયા આપતો આવું છું. પણ એ 500થી એક રૂપિયો વધારે લેતા નથી. બદલામાં મને ચ્હા પીવડાવે છે. આજે અમે એકલા હતાં એટલે એમણે દિલ ખોલીને વાત કરી. ગોદડિયા બાપુના નામે ઓળખાતા આ ભિખારીનું મૂળ નામ ખીમજી પ્રજાપતિ છે. એના મૂળિયા મહેસાણામાં નહીં પણ રાજકોટમાં છે. ખીમજી પ્રજાપતિ રાજકોટમાં પહેલા વરલી મટકાનો ધંધો કરતો હતો અને રોજના હજ્જારો રૂપિયા કમાતો અને જલસાં કરતો હતો. એની જિંદગી મોજમાં જતી હતી પણ એક દિવસ એની જિંદગીનો ખતરનાક ટર્નિંગ પોઇન્ટ આવ્યો. રાજકોટનો એક  માણસ વરલી મટકાંના જૂગારમાં ખાસ્સાં પૈસા હારી ગયો. એના માથે દેવું થઇ ગયું અને એ ઘરબાર છોડીને ભાગી ગયો. ખીમજી પ્રજાપતિ ઉર્ફે ગોદડિયા બાપુને પણ એની પાસેથી જૂગારના પૈસા લેવાના બાકી હતાં. એ ઉઘરાણી કરવા ઘરે ગયો તો ઘર છોડીને ભાગી ગયેલા એ માણસે જૂગારમાં બધુ વેચી માર્યું હતું. એના બૈરી છોકરાંને ખાવાનાં પણ ફાંફા હતાં.
જૂગારમાં બરબાદ થયેલા પરિવારને જોઇને ખીમજીનું દિલ હલી ગયું. એને થયું કે લોકોને જૂગાર રમાડીને હું કમાઉં છું અને લોકો બરબાદ થાય છે. મન ખિન્ન થઇ ગયું. ખીમજી પાસે ખિસ્સામાં જે પૈસા હતા તે હારેલા જૂગારીને પરિવાને આપી રાજકોટમાંથી નીકળી ગયાં. મગજ બંધ હતું, જે બસ મળી એમાં બેસી ગયો. ખિસ્સામાં જેટલા પૈસા હતાં તે કન્ડક્ટરને આપીને કહ્યું કે, આ બસ ભાડું છેલ્લા સ્ટેશનની ટિકિટ આપો. એટલે ત્યાં ઉતરી જઇશ.

છેલ્લું સ્ટેશન આવ્યું મહેસાણા એ બસમાંથી ઉતર્યો, મહેસાણા હાઇવે પર જૈન મંદીરની બહાર બેઠો હતો. ખિસ્સામાં પૈસા ન હતાં. પેટમાં ભૂખ લાગી હતી. મંદીરના ઓટલે પડી રહ્યો, ત્રણ દિવસ સુધી મંદીરના ઓટલે ભૂખ્યા તરસ્યા પડી રહેલા ખીમજીને મંદીરમાંથી બહાર આવતા કેટલાક લોકોએ ભિખારી સમજી પૈસા આપ્યા. એ ત્યાં બેસી રહેતો. શનિવારે હનુમાન મંદીરે જાય. ગુરૂવારે સાંઇબાબા મંદીરે જાય. અને દિવસભર જૈન મંદીર પાસે હોય. ચ્હા બીડીની આદત અને બે ટાઇમ જમવાનું, પૈસા બચવા માંડ્યાં. ગજવામાં પૈસા થઇ ગયા એટલે નક્કી કર્યું કે, લોકોના પૈસા લોકોને આપવા. એથી મહેસાણાની સ્કૂલમાં ભણતી દરીબ છોકરીઓને ગણવેશ અને ચોપડાં અપાવ્યાં. ધીમે ધીમે આ સખાવતની વાત ટી.વી અને છાપાંમાં આવવા લાગી. લોકો આજે મહેસાણા હાઇ વે પર જૈન મંદીર ગાડી ઊભી રાખીને ખીમજી એટલે કે ગોદડિયા બાપુને પૈસા આપે છે. એ પોતાની ગોદડી અને ટોપીમાં પૈસા ભેગા કરે છે. પછી ગરીબ બાળકોને યુનિફોર્મ અને ચોપડીઓ અપાવે છે.
હવે ભીખ માગવાના પૈસા વધારે મળે છે. ગામમાં એની પાસેથી કોઇ ચ્હા કે, બીજીના પૈસા લેતું નથી. આથી ખીમજી પ્રજાપતિ ગોદડિયા બાપુ પાસે પૈસાનો ઢગલો થવા માંડ્યો છે. એ હવે ગરીબ છોકરીઓના સમૂહ લગ્ન કરાવીને તેમાં સોનું આપવા માગે છે. એની આ નિષ્ઠા જોઇને મદ્રાસની રોટરી ક્લબે એને વિમાનમાં બોલાવી એક લાખ રોકડા અને એવોર્ડ આપ્યો છે. એ પૈસા અને ભીખમાં મળેલા પૈસા, બધુ ભેગું કરીને હવે એ ગરીબ કન્યાઓને સોનાનું દાન કરશે.
એક જમાનામાં વરલી મટકાંથી લાખ્ખો રૂપિયા કમાનારો આ વાલિયો લૂંટારો ભિખારી બની ગયોતો ભીખ ભાગવા બદલ પણ એવોર્ડ જીતી લાવ્યો. મેં કહ્યુ બાપુ બીજા પૈસા આપું તો કહે કે, આપણો નિયમ છે કે, તમારી જોડેથી 500થી વધું નહીં લેવાના, એટલે બસ હાલો ચ્હા પીએ. મેં કહ્યું મોડું થાય છે. મારી ચ્હા ઉધાર રહી એટલે એણે મને તરત કહ્યું કે, આવતી વેળા 490 આપજો, પણ દીકરીઓના લગ્ન કરાવું ત્યારે ખાસ આવજો, એકનું કન્યાદાન તમારા હાથે કરાવવાનું છે. મેં કહ્યું કે, ચોક્કસ આવીશ અને ચાંલ્લો કરીશ બીજું કાઇ?
એણે કહ્યું કે ‘બસ મંડપવાળો મફત મંડપ આપવાનો છે. બામણ દક્ષિણા લેવાનો નથી. ગામના લોકો જમણવાર કરાવવાના છે. સૌની ઘડામણના પૈસા નથી લેવાના. એય ને મોજથી લગ્ન કરાવીશું. પણ આવવાનું ભૂલતા નહીં.’ હું, હા..ના કરૂં તે પહેલા ગોદડીવાળા પહેરણના ખિસ્સાંમાંથી ડાયરી કાઢીને 25 નંબર લખેલા હતાં તેમાઁથી બતાવીને કહ્યું આ તમારો નંબરને? મેં કહ્યું, હા. એણે ફરીવાર લગ્નમાં આવવાનો આગ્રહ કર્યો અને ટ્રાયસિકલમાં બેસીને ભીખ  માગવા નીકળી પડ્યો.
હું અમદાવાદ જવા કારમાં બેઠો. ત્યાં મારી જગજિતે ગાયેલી પ્રિય ગઝલ વાગતી હતી. એમાંથી એક કડી ખીમજી પ્રજાપતિ ઉર્ફે ગોદડિયા બાપુને લાગુ પડતી હતી.

‘‘મીલા હૈ ક્યા કીસીકો કિસીસે અમીરી સે
દિલો કે શાહ તો અક્સર ગરીબ હોતે હૈ’’

મહેસાણાથી અમદાવાદ આવતા મારા મગજમાં ગંદો, ગોબરો, લંગડો ગોદડિયા બાપુ ભિખારી રમતો હતો. અમદાવાદ નજીક આવ્યું ત્યાં મને કવિ ધૂની માંડલિયાની બીજી કવિતા યાદ આવી ગઇ કે,

ક્યાંય તારા નામની તક્તી નથી
એ હવા તારી સખાવતને સલામ

બસ આ ગોદડિયો ભીખ માગીને સખાવત કરે છે પણ પોતાની તકતી લગાવતો નથી. એ જોતા કહેવાનું મન થાય કે,

ક્યાંય તારા નામની તક્તી નહીં લાગે
તમ છતાં ય ભિખારી તારી સખાવતને સલામ        

તસ્વીરોઃ કલ્પેશ મોદી

29 comments:

  1. SIR KHAREKHAR KOI PAN FAKIR/BHUKHARI TE BHIKHARI NATHI HOTO TENE KUTRIM/KUDRAT BANAVE 6.
    HAL KOI PAN JAGYAYE BHIKHAI JUVO TE KHAREKHAR BHIKHARI NA PAN HOY KOI AGENCY NP KHABRI PAN HOY JE ME LATIF (KALUPUR WALO) HATO TE TIME JOYU 6.LATIF PAKDAYA PA6 TYA FARTO FAKIR GAYAB THAI GAYP JE HAJI DEKHATO NATHI....THIK
    HAAL MA AABAPUYE TO BECHARAKI MA MASIBAO NE SADIO BHET MA ARPAN KARI DHANYA 6KHIMAJIBHAI NE.....

    ReplyDelete
  2. અમીર ભિખારીની કહાની.. હદયસ્પર્શી ગઈ..

    ReplyDelete
  3. ખૂબ સરસ...સખાવત કરવી એ અઘરી વાત છે... આ ભિખારી પણ પ્રેરણા આપી જાય છે...

    ReplyDelete
  4. Most appealing and heart touching story.

    ReplyDelete
  5. માણસાઈનાં દીવા.આજે પણ પ્રગટે છે

    ReplyDelete
  6. સર શબ્દો કે શાહ તો અક્ષર ભાર્ગવ સર હોતે હે ...

    ReplyDelete
  7. ધન્ય છે આવા બાપુ ને. ક્યાં કહેવાતા આશ્રમમાં રહી ને લોકોને છેતરતાં બાપુ ને ક્યાં આ ગોદડીયા બાપુ. આ સ્ટોરી માટે થેંક્સ ભાર્ગવ

    ReplyDelete
  8. વાહ! બહુ પ્રેરણાદાયક વાત

    ReplyDelete
  9. ખૂબ સરસ કાર્ય કરે છે અને એક ઉપદેશ પણ છે ....માગીને સારું કાર્ય કરે છે...પણ હોય તેને આવું કાર્ય જરૂર કરવું જોઈએ યથા શક્તિ ....

    ReplyDelete
  10. ખૂબ હૃદયસ્પર્શી સત્યઘટના.. વાંચીને ઘણો આનંદ થયો. આવા કિસ્સા જો નિયમિત સાંભળવા મળે તો રોજિંદી દિનચર્યા અને ટેકનોલોજી યુગમાં ફરી એક વાર આવા ભિખારી બની સાચો માનવી બનીને જીવવાનું મન થાય છે.

    ReplyDelete
  11. સમાજ માટે ખૂબ સરસ પ્રેરણા દાયક...ગોદડીયાબાપુ

    ReplyDelete
  12. ગોદડીયા બાપુ જેવા આ જમાનામાં જૂજ લોકો જ છે...જે પોતાની કપરી પરિસ્થિતિમાં પણ સમાજ માટે કાંઈક કરવાની ભાવના રાખે છે...ખુબ...સરસ પ્રેરણા દાયક...કાર્ય કરવા બદલ ગોદડીયા બાપુને સો..સો...પ્રણામ..

    ReplyDelete
  13. ગોદડીયા બાપુ જેવા આ જમાનામાં જૂજ લોકો જ છે...જે પોતાની કપરી પરિસ્થિતિમાં પણ સમાજ માટે કાંઈક કરવાની ભાવના રાખે છે...ખુબ...સરસ પ્રેરણા દાયક...કાર્ય કરવા બદલ ગોદડીયા બાપુને સો..સો...પ્રણામ..

    ReplyDelete
  14. SALAM GIDADIA BAPU NE KE AA DESH NA NETA KAIK SHIKHE....SEWA NU KARY KARVA NU....AAJ NA NETA NA JABHBHA NA KHISSA SIVELA HOY 6....SEWA KARY MATE KHISU KHULLU HOY TO HATH ANDAR JAY NE ????
    By-KURESHI MEHMUD...

    ReplyDelete
  15. Grat information hat's off godadiya bapu and bhaavbhai

    ReplyDelete
  16. Sir, khoob interesting story che.

    ReplyDelete
  17. Very Nice interesting story

    ReplyDelete
  18. સર... આ ગોદડ બાપુની ઝી ન્યુઝ માટેની સ્ટોરી કરવા માટે હું આપની સાથે આવ્યો હતો... અને એ સ્ટોરી શૂટ કરતી વખતે આ બાપુએ સ્કૂલની બાળાઓને સોનાની બુટ્ટીઓ અને બાળકોને સ્ટેશનરી ભેટમાં આપ્યા હતા એ વાત મને આપના આ આર્ટિકલ ઉપરથી યાદ આવે છે... ખરા અર્થમાં પરોપકારી માણસ છે આ ગોદડ બાપુ....

    ReplyDelete
  19. વાચંવા ને મનન કરવાની ક્ષણ લખવા માટે જય હો

    ReplyDelete
  20. “ક્યાંય તારા નામની તક્તી નથી
    એ હવા તારી સખાવતને સલામ”
    ખરેખર ભાર્ગવભાઈ તમારા શબ્દોને પણ મારા સલામ...

    ReplyDelete
  21. હૃદયસ્પર્શી કહાણી... ગોદડીયા બાપુની આ જ સફરને વિગતે લખીએ તો એક નવલકથા થઇ શકે...

    ReplyDelete
  22. ધન, સંપત્તિ કે વસ્તુનું દાન ઉમદા છે, પણ સાથે સાથે સમય, શક્તિ, ભાવ, પ્રેમ, ઉત્સાહ, પ્રોત્સાહન, નું દાન ખૂબ ખૂબ ઉમદા તેમજ જરૂરી છે, કેમ કે સાચા જરૂરતમંદ લોકોને શોધી કાઢવા સતત સમય કાઢવાથી મન, બુદ્ધિ, રુદય માં અતિ આનંદ, સંતોષ અને જીવનની સાર્થકતા પામી શકાય છે, સાથે સાથે ' કુપાત્ર દાનમ, મહા પાપ મ ' થી પણ બચી જવાય છે. આ માત્ર વાત કે મંતવ્ય નથી, અમે મિત્રો સાથે વર્ષોથી જુંપડપત્તી, અતિ જરૂરતમંદ લોકો, સંસ્થાઓ, સરકારી શાળા માં જઈને અમારો સમય ખરખર સાચા, કાયમી આનંદ ને માણીએ છીએ.

    ReplyDelete