ગુજરાતમાં ચૂંટણીના
માહોલમાં રાજકીય વિશ્લેષક તરીકે એક ચેનલમાં બે મહીલા એન્કર પીનલ યાદવ અને રેશમાં
નીનામાએ અચાનક જ મારી પર તોપગોળો છોડ્યો કે બધી જ રાજકીય પાર્ટીઓ મહીલાઓની વાત કરે
છે પણ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટો કેમ ઓછી આપે છે? આ બંને એન્કર પીનલ અને રેશમાની વાત સાથે હું
સહમત થયો પેનલ પર સાથે બેઠેલા રાજકારણીઓને જવાબ આપ્યો કે, બંધારણમાં એમેડમેન્ટ લાવીને
33 ટકા અનામતનો સુધારો થયો પણ અમલ થતો નથી. સરપંચ તરીકે જો મહીલા હોય તો પતિ એનું
કામ કરે છે. બ્લા..બ્લા..બ્લા પણ મારી બંને એન્કર પીનલ અને રેશમાની આંખમાં જવાબ
સાથે જ એક ચમક હતી. શો પત્યો પછી બીજી ચેનલમાં જવાનું હતું, ત્યાં પ્રીતિ આવી એણે
મને જમવાનો આગ્રહ કર્યો, પણ મોડું થતું હતું...હું ત્યાંથી નીકળી ગયો.
સ્ટુડિયોથી નીકળીને મારી
ગાડી સુધી પહોંચતા પહોંચતા મારા મગજ પર રવિવારે જોયેલું ડો. આનંદી જોષી નાટક યાદ
આવી ગયું. મુંબઇના જાણીતા દિગ્દર્શક મનોજ શાહ અને ગીતા માણેક લિખિત નાટક ડો. આનંદી
જોષીએ રાજકારણના આટાપાટા ગણતા મારા મગજને બંધ કરી દીધું. ચૂંટણીમાં મહીલા મતદારો કેટલા
નિર્ણાયક અને વોટ શેરમાં તેમનો હિસ્સો કેટલો? એ ગણિતો બંધ થયા અને દિમાગ પર ‘’ડો. આનંદીબાઇ જોશી- લાઇક, કમેન્ટ એન્ડ શેર’’ નાટક સવાર થઇ ગયું.
ગુજરાતના લોકો માટે
દિગ્દર્શક મનોજ શાહનું નામ કદાચ નવું હશે. પણ પ્રયોગાત્મક નાટકનું દિગ્દર્શન
કરવામાં એમનું નામ મૂકીએ તો પાછળ દસ સુધી કોઇ નંબર મુકાય એમ નથી. કારણ કે મનોજ શાહે
દોઢ કલાકનું નાટક માત્રને માત્ર એક જ અભિનેત્રીને લઇને કર્યું છે. બીજા પાત્ર વિનાના
આ સોલો નાટકમાં મનોજ શાહના મજબુત દિગ્દર્શન અને ગીતા માણેકના સચોટ અને હ્રદયસ્પર્શી
ડાયલોગ પ્રેક્ષકોને સીટ પર ફેવીકોલથી નહીં પણ ક્વિક ફિક્સથી ચોંટાડી દે છે. તો મારા
જેવા ચશ્મા પહેરતા લોકોની આંખોમાં સંવાદોથી આવતા ઝળઝળિયા છુપાવવા ચશ્મા ઉતારવા પડે
છે અને ઇચ્છા ન હોય તો પણ બંને હાથને તાળી પાડવા મજબુર કરે છે.
ડો. આનંદી જોષી એક એવા સોલો
નાટકનો પ્રયોગ છે કે જેમાં સ્પોટલાઇટ કે જરૂર સિવાય મ્યુઝિકનો પણ પ્રયોગ નથી
કરાયો. મરાઠી અભિનેત્રી માનસી જોષી પાસેથી ગુજરાતી નાટકમાં ઝરણાની જેમ વહેતો
ડાયલોગનો ફ્લો દર્શકને જકડી રાખવા માટે
પૂરતો છે. કારણ કે, નાટકનું કથાનક ભલે
સ્ત્રી હોય પણ વાત બદલાયેલા સમાજની છે, જે ભલે આજે મોર્ડન ગણાતો હોય પણ
જીવે છે તો 150 વર્ષ પાછળ...
નાટકનું કથાનક એ છે કે, 150
વર્ષ પહેલા ભારતીય રૂઢિઓ તોડીને પહેલી વાર સ્ટ્રગલ કરી મહીલા ડોક્ટર બનેલી આનંદી
જોષીના જન્મથી મૃત્યું સુધીની વાત છે. સ્વર્ગમાં એને મળતી મહીલાઓને મળ્યા બાદ પૃથ્વી
પર આવી પોતાની વાત કહે છે, કે એક ઘરમાં દીકરી તરીકે જન્મ લેવો એટલે દોઢસો વર્ષ પછી
પણ ઉત્સવ નથી. કારણ કે, મોટા ભાગની માતાઓને દીકરો હોય તો સમાજમાં ‘’લાઇક’’ મળે છે,. અહીં લાઇક શબ્દને
આધુનિકતા સાથે જોડવામાં આવ્યો છે. કારણ કે
આજે દરેક માણસ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ વોટ્સ અપ કે ફેસબુક સાથે હોય છે. આમાં
બીજાના તરફથી કેટલી ‘’લાઇક’’ મળે છે એના પરથી પોતાના અસ્તિત્વને માપે છે. અહીં દીકરાને
જન્મ અપાય તો વંશ આગળ વધારનારી સ્ત્રીને લાઇક મળે છે.
ખેર એને ભૂલી જઇએ તો આજે પણ
તમે ક્યો ડ્રેસ પહેરો છો? ક્યા ઘરેણાં પહેરો છો?એના ફોટા ફેસબુક પર મૂક્યા પછી મળતી ‘’લાઇક્સ’’ તમારા અંતરને સંતોષ આપે
છે. એટલે કે દરેક જણ પોતાની જાતને લાઇક કરવાનું પસંદ નથી કરતો. પરંતુ બીજો એને
કેટલું’’ લાઇક’’ કરે છે એ પસંદ કરે છે. સ્ત્રી હોય કે પુરૂષ બંને જીવન આ
લાઇકની ઉપર લટકતા રહે છે. એટલું જ નહીં આજે ગાઇ વગાડીને દરેક જણ એટલું કહે છે કે,
મહીલાઓમાં શિક્ષણ વધવું જોઇએ. પણ એ શિક્ષણ મહીલા માટે નથી પણ લગ્નના બજારમાં
છોકરો એની ડીગ્રી સાથે લાઇક કરે એના માટે
ભણતરની લાઇન નક્કી થાય છે.
આ દોડમાં સ્ત્રી ક્યાં
ખોવાય છે? એની એને પોતાને ખબર નથી હોતી કારણ કે, પિતાને ત્યાં બાપના
નામ સાથે અલગ અટકથી અલગ ઓળખ અને લગ્ન પછી પતિના નામ સાથે અલગ ઓળખ સાથે સતત દોડતી
રહે છે. ઢીંગલી સાથે રમતી એ રમકડાં જેવડી છોકરી રજસ્વલા થાય ત્યારની એની માનસિક સ્થિતિને જોવાતી નથી પણ ઘરમાં ઉત્સવ હોય
છે. મારા જેવા પોતાની જાતને મોર્ડન માનનાર માણસ તરીકે હું એમ વિચારતો હતો કે,
દીકરા દીકરીમાં ફરક નથી. માટે હું ભગવાને આપેલા પ્રથમ બાળક દીકરીને ભણાવવાથી
માંડીને પૂર્ણ આત્મ વિશ્વાસ ભરવામાં સફળ થયાનો ગર્વ મને છે. પરંતુ ડો. આનંદી જોષી
નાટકને જોતા જોતા એ ગર્વ ધીમે ધીમે ઓગળીને પાણી થયો અને પાણીની વરાળ થઇ ક્યાં ઉડી
ગઇ એ ખબર ન પડી
ગીતા માણેકે આ આ વાતને બખૂબીથી
નિરૂપણ કરી છે કે રજસ્વલાથી પ્રસુતિ અને પ્રસુતિથી મેનોપોઝ સુધીની સફરમાં એના જોડીદાર
હોય છે..એ છે..શારીરિક પીડા, માનસિક તનાવ અને જવાબદારી. આમ છતાં એ પોતાની ભૂમિકા
બખૂબી સારી રીતે નિભાવે છે. કોલેજથી આવી ઘર માટે રસોઇ બનાવવી કારણ કે લાઇક્સ મળે
છે. ઓફિસથી આવતા સ્ટ્રેસ બાજુ પર મૂકી દૂધની થેલી લાવવી પડે છે કારણ કે હસતા મોંએ સહન
કરવું પડે છે. એના માટે રોજ સવારે સૂરજ નફા નુકસાન સાથે નથી ઉગતો, કારણ કે એના
માટે દરેક સંકલ્પમાંથી સ્વાર્થ નીકળી જાય છે.
ડો. આનદીબાઇ જોષીના દિગ્દર્શક
મનોજ શાહ નાટક પત્યા પછી ચાહકોથી છૂટા પડ્યા ત્યારે ખાસ્સી વારે વાત કરવાનો મોકો
મળ્યો. મનોજ શાહ કહે છે કે, મારી ઇમેજ પુરૂષોની વાત કરતા એક દિગ્દર્શક તરીકેની હતી.
પ્રયોગાત્મક નાટકો કર્યા તે બદી પુરૂષપ્રધાન નાટકો હતાં. પરંતુ બદલાયેલી સ્થિતિમાં
પુરુષોની જેમ સ્ત્રીઓની વાત પણ જરૂરી છે. સ્ત્રીને એક લાઇકની દ્રષ્ટિએ મૂકવામાં
આવે છે એ નહીં, પરંતુ સ્ત્રીને એની વાત ઉજાગર કરવા આ પ્રયોગ કર્યો છે. પ્રયોગ
કરવાનું મારા લોહીમાં છે તો સોલો નાટક જરૂર જેટલી જ લાઇટની જાકમજોળ અને અભિનય અને
ડાયલોગને ડિસ્ટર્બ ન કરે એટલાં જ મ્યુઝિકના નાના ટૂકડાઓ ધ્યાનમાં રાખીને પ્રયોગ
કર્યો છે. આ પ્રયોગ કરવાનું મે ત્યારે નક્કી કર્યું કે, ગીતા માણેકની સ્ક્રીપ્ટનું
પહેલું પાનુ મને સ્પર્શી ગયું. જ્યાં સ્ત્રીની વાત છે પણ ત્યાં માનસિકતા સ્ત્રી
અને પુરુષની છે. એટલે આ નાટક પર મેં મહેનત કરી છે. માત્ર એક પાત્ર સાથે દોઢ
કલાકનું સોલો બનાવ્યું છે.
આ નાટકની લેખિકા ગીતા માણેક
પણ આ જ વાત કરે છે. ગીતા માણેક કહે છે કે, આ નાટક સ્ત્રી આધારિત ફેમિનિસ્ટ નથી.
એમાં બદલાયેલા પરિપ્રેક્ષ્યમાં ટેકનોલોજીએ બીજા આપણને કેટલો સ્વીકાર કરે છે એ જોવા
તત્પર રહીએ છીએ અને આ વાત અનાદિકાળથી ચાલી આવે છે. આજે ફેસબુક અને વોટ્સઅપ પરથી લાઇકની
ચકાસણી થાય છે જે લોકોના શબ્દો અને ઇશારાથી થતી હતી. દોઢસો વર્ષ વીતી જવા છતાં
લોકોની માનસિકતામાં ફરક પડ્યો નથી.
ગીતા માણેક આગળ વધીને કહે
છે કે, માણસ મંદીરમાં પણ એટલે જ જાય છે કે, ફલાણા ભાઇ કે બહેન ધાર્મિક છે એવી એમને
‘’લાઇક’’ મળે છે. કારણ કે રોજ 108 વાર અંબાણી અંબાણી રટણ કરવાથી અંબાણી
એની જાગીર નથી લખી આપવાનો એટલે લોકો એના જાપ નથી કરતાં. પણ જાહેરમાં મંદીરમાં બેસી
અથવા બાબાને ફોલો કરી ધાર્મિક તરીકેની ‘’લાઇક’’ મેળવે છે. આ કામ એ ભગવાનની પૂજા અર્ચના ધ્યાન બીજાને
બતાવ્યા વિના પણ કરી શકે છે. આમ છતાં પુરૂષ અને સ્ત્રી બંને ‘’લાઇક’’ની લટકતી તલવારની નીચે
ધૂમ્યા કરે છે. એટલે જ જો માણસ પોતાની ‘’લાઇક’’ માટે જીવે તો લાઇફ સ્વર્ગ છે અને બીજાની લાઇક
માટે જીવે તો લાઇફ નર્ક છે. ‘’લાઇક’’ પર લટકીને લાઇફ જીવતા આપણે
ડો. આનંદી જોષીને કેટલા ‘’લાઇક’’ કરીએ છીએ એના પર મનોજ શાહે જો પ્રયોગ અને ગીતા માણેકનું લખાણ સફળ થશે એમ હું નહીં
કહું. કારણ કે બંને જણ પોતાની લાઇક માટે લખે છે અને શો કરે છે. ત્યારે મારી ‘’લાઇક’’ પણ એમના માટે મહત્ત્વની
નહીં હોય એમાં શંકાને કોઇ સ્થાન નથી.


Wah
ReplyDeleteThanks
DeleteGreat write up.
ReplyDeleteThanks
DeleteThanks
ReplyDeleteThanks
ReplyDeletePurusho ni vat kro
ReplyDeleteThanks i will also write on this
Deleteહ્રદયસ્પર્શી.I liked it.
ReplyDeleteThanks
DeleteThanks
Delete